ગિરગઢડા
ભરત ગંગદેવ.
ભારતના આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી નિમિત્તે સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરુપે રાજ્યના તમામ જિલ્લાઓમાં ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ‘વંદે ગુજરાત ૨૦ વર્ષનો સાથ ૨૦ વર્ષનો વિશ્વાસ’ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા અને તાલુકા કક્ષાએ વિવિધ મેળાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ગીર સોમનાથમાં તા. ૨૦/૦૭/૨૦૨૨થી ૨૬/૦૭/૨૦૨૨ દરમિયાન ૨૦ વર્ષની વિકાસયાત્રા પ્રદર્શન તેમજ ૫૦ સ્ટોલ સાથેનો જિલ્લા કક્ષાનો મેળો યોજાશે. જેના સુચારુ આયોજન અંગે જિલ્લા કલેક્ટર રાજદેવસિંહ ગોહિલના અધ્યક્ષ સ્થાને મિટિંગ યોજાઈ હતી.
જિલ્લા કલેક્ટર એ મેળાના સુચારૂ આયોજન અંગે વિવિધ વિભાગના શીર્ષ અધિકારીઓને મહત્વની સૂચનાઓ આપી હતી. નોંધનીય છે કે, આ મેળામાં જિલ્લા તેમજ તાલુકા કક્ષાના સ્વ સહાય જૂથના સખી મેળાઓ અને રાજ્ય સરકારની સહાયથી નાની-મોટી પ્રવૃત્તિ જેમ કે, હસ્તકલા, માટીકામ, ભરતકામ તેમજ ગૃહ ઉદ્યોગ, વણાટકામ, વેસ્ટમાંથી બેસ્ટ હોમ ડેકોરેશનની વસ્તુઓ જેવા સ્ટોલ પણ હશે. જેમાં લોકો પોતાની મનગમતી વિવિધ વસ્તુઓ ખરીદી શકશે. તા. ૨૦/૦૭/૨૦૨૨થી ૨૬/૦૭/૨૦૨૨ દરમિયાન આ મેળાનો વધુમાં વધુ શહેરીજનો લાભ લે તેવી અપીલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે.


