સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
ટ્રાફિક જામની ચુંગલમાં ફસાયેલા સાવરકુંડલાનાં શહેરીજનો. આજે જ્યારે ભારત દેશમાં ગ્રીન કોરીડોરની વાતો થઈ રહી છે ત્યારે સાવરકુંડલા શહેરના હાર્દ સમા વિસ્તાર નાવલી નદી પાસેથી પસાર થતા હાઈવે પર અવારનવાર ટ્રાફિક જામનાં દ્રશ્યો સર્જાય છે. ઘણી વખત એમ્બ્યુલન્સ જેવા ઈમરજન્સી વાહનોને પણ આ ટ્રાફિક જામની ચુંગલમાં ફસાવું પડે છે. એક તો હાઈવે, ઉપરથી ચારે બાજુ લારી કે રીક્ષા કે અન્ય વાહનોનું આડેધડ પાર્કિંગ. એમાં પણ નાના નાના શાળાએ જતાં ભૂલકાઓએ તો આ રોડ પર ચાલીને જઈ શકે ખરાં? એમા ઓછામાં પૂરું હોય ત્યાં અમુક દુકાનો આગળ ઓટલા પર પણ ચીજવસ્તુઓનો વેચાણાર્થે કબજો જમાવીને પડી હોય છે. ફૂટપાથ તો ગોતી પણ જડતી નથી.. હવેલી શેરી બઝાર શહેર પ્રમાણે સાંકડી કહેવાય, તેમાં પણ વાહનો પાર્કિંગની સમસ્યા, હવેલી જેવું ધાર્મિક સ્થાન એટલે ભાવિકોની અવરજવર તો રહે છે. આ ઉપરાંત સોની બજાર એટલે સોના ચાંદીના દાગીના ખરીદવા માટે પણ લોકોની ભીડ રહે જ. અને મેઈન બજારનું પણ એવું બે ત્રણ વાહનો ભેગા થાય એટલે ટ્રાફિક જામ થઇ જાય. તો વળી નવરંગી બજાર તો બિલકુલ સાંકડી. એમાં પણ વાહન પાર્કિંગની સમસ્યા માથાના દુઃખાવા સમાન બનતી જોવા મળે છે. હા, નાવલી નદીના પુલ પરથી કંસારા બઝાર અને સંઘેડિયા બઝાર તરફ પસાર થતાં રસ્તા પર પણ ગીચ ટ્રાફિકની સ્થિતિ અવારનવાર જોવા મળે છે. તો વળી મહુવા રોડ પાસે માર્કેટ યાર્ડ પાસે આવેલાં ફાટક તો અવારનવાર બંધ રહે એટલે ફાટક બંધ હોય ત્યારે પણ ટ્રાફિક ગીચ હોય અને એ ફાટક ખુલતાંની સાથે વાહનોનો ધસારો એટલે મોટી પળોજણ.. સાંકડા ફાટકથી બંને તરફથી વાહનો ફાટક ક્રોસ કરવા અવારનવાર એક બીજાના વાહનોને ઘસાઈને ચાલતાં જોવા મળે છે. શહેરમાં મહેશ ટોકિઝવાળો ઢાળ ચડતાં પોસ્ટ ઓફિસ, બેંક અને અન્ય કોમર્સિયલ કોમ્પલેક્ષમાં પણ વાહન પાર્કિંગની વ્યવસ્થા ન હોવાથી આ વિસ્તારમાં પણ ટ્રાફિક જામની મોંકાણ જોવા મળે છે. આમ શહેરમાં જ્યાં જૂઓ ત્યાં ટ્રાફિક જામની જ રામાયણ જોવા મળે.
હા, કોઈ વીઆઈપી પર્સનાલિટી મહેમાન તરીકે આવે ત્યારે વ્યવસ્થા પણ કંઈ ઓર હોય શકે..

