સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
——————————————————————–
આમ તો અમરેલી જિલ્લામાથી પસાર થતો અંબાજી પીપાવાવ નેશનલ હાઈવે સાવરકુંડલા શહેરનાં મધ્યમાંથી પસાર થતાં અનેક લોકો પરેશાની ભોગવી રહ્યા છે. સાવરકુંડલા શહેરની મધ્યમાં એક તો માર્ગ સાંકડો ઉપરથી શહેરનું લોકલ ટ્રાફિક એમાં આ રસ્તા પરથી આવનજાવન કરતાં હેવી કન્ટેનર તથા અસંખ્ય ટ્રકો શહેરમાંથી પસાર થતા સ્થાનિક લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી છે. એમાં પણ નદી મેઈન બઝારમાં તો આ ભારે વાહનોની ઉડતી ધૂળ અને ધૂમાડાથી આ વિસ્તારમાં દુકાન ધરાવતાં દુકાનદારો પણ ભારે ગૂંગળામણ અનુભવી રહ્યા છે. તે પૈકી ઘણાંને કાયમી શ્ર્વાસ અને શરદીની બિમારી પણ જોવા મળે છે. આ ઉપરાંત નદી બઝારમાં તો છાશવારે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાતી જોવા મળે છે. આ ઉપરાંત ઓવરલોડ ટ્રાફિકને કારણે અકસ્માતોની ઘટના પણ બનતી જોવા મળે છે અને નિર્દોષ લોકોનો ભોગ પણ લેવાય છે. હા, હમણાં આપણાં સાંસદશ્રીએ સાવરકુંડલા મહુવા બાયપાસની થંભી ગયેલી કામગીરી ફરી વેગવંતી બને તેવાં પૂરજોશ પ્રયત્ન પણ કરેલાં છે. તે સંદર્ભે હવે નેશનલ હાઈવે ઓથોરિટી અને રેલવે તંત્ર દ્વારા હાલ તો ઓવરબ્રીજને બદલે એક કિલોમીટર લાંબો રસ્તો બનાવી ફાટક પહોળું કરવું એવો હંગામી ઉકેલ લાવવા માટે તૈયારી દર્શાવી છે. આ માટે જરૂરી આર્થિક બજેટ ફાળવાતા આ કામગીરી શરૂ થશે એમ માનવામાં આવી રહ્યું છે. પરંતુ આ તો સરકારી કામગીરી કહેવાય ક્યારે કઈ અડચણ આવી પડે તે નિશ્ચિતરીતે કશું ન કહી શકાય. આ બાયપાસ શરૂ થતાં કેટલો સમય લાગશે તે છાતીઠોકીને હજુ પણ કોઈ કહી શકતું નથી. હા, એક આશાનું કિરણ જરૂર દેખાયું છે. સાવરકુંડલાની જનતા હવે વહેલી તકે આ બાયપાસ રોડના પ્રશ્નનો નિકાલ આવે તેવું ઈચ્છી રહી છે. આમ તો કેન્દ્ર અને રાજ્ય બંનેમાં સત્તાધારી પક્ષ એક જ હોય વળી સાવરકુંડલા શહેરે પણ આ સત્તાધારી ભાજપ પક્ષને નગરપાલિકાની ચૂંટણીમાં પણ ખોબલે ખોબલે મત આપીને નગરપાલિકાનું સુકાન પણ સોંપ્યું હોય. હવે શુભસ્ય શિઘ્રમ એ ન્યાયે વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તો આવતી વિધાનસભાની ચૂંટણીમાં પણ સત્તાધારી ભાજપનું ભવિષ્ય ઉજ્જવળ રહેશે. બાકી હરિ કરે તે ખરી..

