Gujarat

વાંકાનેરમાં નવજાત બાળકીને તરછોડી માતા પલાયન

વાંકાનેર
વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામની શેરીમાં કોઇ જનેતા પોતાની તાજી જ જન્મેલી બાળકીને તરછોડીને નીકળી ગઇ હતી. રોજું રાખવા ઉઠેલા મુસ્લિમ બિરાદરને બાળકીના રડવાનો અવાજ આવતાં તેઓએ ઘરની બહાર જાેયું હતું અને તરત જ પોલીસને જાણ કરી હતી. પીઆઇ વસાવા સહિતના સ્ટાફે વાંકાનેર સિવિલમાં બાળકીને ખસેડી હતી અને વધુ સારવારની જરૂર જણાતાં રાજકોટ રીફર કરવામાં આવી હતી. રાજાવડલા ગામે રહેતા ઉસ્માનભાઇ જલાલભાઇ વડાવિયા રોજિંદા ક્રમ મુજબ રોજું રાખવા વહેલી સવારે જાગયા ત્યારે કોઇ બાળકીના રડવાનો અવાજ આવતાં તેઓ બહાર આવ્યા તો તેમનું ધ્યાન બાળકી પર પડ્યું હતું. તેમણે તરત જ અધુરા માસે જન્મેલી અને જેની નાળ પણ હજુ કપાઇ નથી તેવી બાળકી જીવીત હોવાની અને કોઇ મા તરછોડીને નીકળી ગયાની જાણ વાંકાનેર પોલીસને કરી હતી અને પીઆઇ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને બાળકીની હાલત અત્યંત નાજુક હોઇ તાબડતોબ વાંકાનેર સિવિલમાં ખસેડી હતી અને બાદમાં બાળકીને વધુ સારવારની જરૂર જણાતાં રાજકોટ ખસેડાઇ હતી. શહેર પોલીસ સ્ટાફે બાળકીના માતા પિતાની શોધખોળ આરંભી છે. હાલ રમજાન મહિનો ચાલી રહ્યો હોઇ, હું રોજા રાખવા વહેલી સવારે ઉઠ્‌યો ત્યારે અચાનક મને કોઇ બાળકના રડવાનો અવાજ આવ્યો, હું બહાર આવ્યો તો બાળકી પર ધ્યાન ગયું. તાજું જ જન્મેલું બાળક રડી રહ્યું હોઇ, તરત પોલીસને જાણ કરી અને પોલીસ પાસેથી દૂધ પીવડાવવાની મંજુરી લઇ મેં અને મારી પુત્રવધૂએ બાળકીને દૂધ પીવડાવ્યું, તો એ શાંત પડી ગઇ અને સૂઇ ગઇ. તરત જ પોલીસ સ્ટેશનના પીઆઇ વસાવા, એએસઆઇ હીરાભાઇ સહિતનો સ્ટાફ ઘરે પહોંચી ગયા હતા. રોજા અને નમાજનો સમય થઇ ગયો હતો એટલે અમે કોઇ સાથે ન જઇ શક્યા પરંતુ બાળકી સચવાઇ શકે તેટલા કપડામાં અમે વીંટાળીને પોલીસ સ્ટાફને સોંપી દીધી હતી. સદનસીબે કોઇ શ્વાનનું ધ્યાન ન પડ્યુ નહીંતર આ ફૂલની કેવી હાલત થાત? આવું મારી જિંદગીમાં બીજી વાર બન્યું છે. આ અગાઉ ૧૨ વર્ષ પહેલાં પણ આ જ રીતે એક નવજાત અને ત્યજી દેવાયેલું શિશુ મને મળ્યું હતું અને તરત જ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યું અને તે જીવી ગયું, એની ખુશી સૌથી વધુ હતી. બાળકીના માતા પિતાની શોધખોળ કરવા અમે રાજાવડલા, ચંદ્રપુર ૧ અને ૨માં ફરજ બજાવતા આશા બહેનોનો સંપર્ક કર્યો છે. તેમજ આ વિસ્તારમાં મજૂરી કરતા દેવીપૂજક સમાજના લોકોની વિગતો એકઠી કરાઇ રહી છે. ગામમાં લાગેલા સીસીટીવી ફૂટેજની ચકાસણી પણ કરવામાં આવી છે. અધુરા માસે બાળકીનો જન્મ થયો હોવાનું માલૂમ થયું છે. આથી અમે ગર્ભવતી મહિલાઓ, પ્રસુતાઓની માહિતી એકઠી કરી રહ્યા છીએ અને માસૂમને ત્યજી દેનારી જનેતાની શોધી કાઢવા તલસ્પર્શી તપાસ આરંભી છે. બાળકી પડી હોવાની જાણ થતાં તરત જ ૧૦૮નો સંપર્ક કરવાની કોશિશ કરવામાં આવી હતી પરંતુ કોઇ કારણોસર સંપર્ક ન થતાં પીઆઇએ વાંકાનેર સિવિલમાં બાળકીને ખસેડી અને અધુરા માસે જન્મેલી હોઇ, રાજકોટ રીફર કરાઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *