ગુજરાત સરકારશ્રીના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તેમજ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર અને જિલ્લા યુવા વિકાસ અધિકારી, જૂનાગઢ દ્વારા શ્રી અરવિંદ ઘોષની ૧૫૦ મી જન્મજયંતિની ઉજવણી અંતર્ગત શ્રી અરવિંદ ઘોષના જીવન કવન પર આધારીત વક્તૃત્વ, નિબંધ અને ચિત્ર સ્પર્ધાનું આયોજન બે વિભાગમાં યોજાશે.
જેમાં અ વિભાગમાં ૧૫ વર્ષથી ઉપરના અને ૧૯ વર્ષ સુધીના તથા બ વિભાગમાં ૧૯ વર્ષ થી ઉપરના અને ૩૫ વર્ષ સુધીના સ્પર્ધકો ભાગ લઇ શકશે. જિલ્લાકક્ષાની સ્પર્ધામાં પ્રથમ આવનાર વિજેતા સ્પર્ધકને રાજ્યકક્ષાએ ભાગ લેવા જવાનું રહેશે. રાજ્યકક્ષાની ત્રણેય સ્પર્ધામાં વિજેતા થયેલ પ્રથમ ૧૦ સ્પર્ધકોને વિના મુલ્યે પોંડીચેરી ખાતેના શ્રી અરવિંદો આશ્રમની મુલાકાતે સરકારશ્રીના ખર્ચે લઇ જવામાં આવશે.
જિલ્લાકક્ષા વક્તૃત્વ, નિબંધ અને ચિત્ર સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતાં જુનાગઢ શહેર અને ગ્રામ્યકક્ષાના કલાકારોએ નિયત નમૂનાનું અરજી ફોર્મ ફેસબૂક આઈ.ડી Dso junagadhcity પરથી અથવા રૂબરૂ મેળવી સંપૂર્ણ વિગતો ભરીને આધારકાર્ડની નકલ સાથે “જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, જૂનાગઢ, બ્લોક નં.૧ , પ્રથમ માળ , બહુમાળી ભવન, સરદારબાગ, જૂનાગઢ ” ખાતે તા.૦૯/૦૧/૨૦૨૩ નાં રોજ બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાં રૂબરૂ / ટપાલથી મોકલી આપવાનું રહેશે. નિયત સમય મર્યાદા બાદ મળેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહી. એમ જૂનાગઢ જિલ્લા યુવા વિકાસ અધિકારીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
