એક લકઝરીયસ ગાડી માર્કેટમાં આવીને ઉભી રહે છે.કારમાં બેઠેલ મહિલાઓ અંદરોઅંદર વાતો કરી રહી છે અને પોતાની દિકરીને કહે છે કે જા બેટા પેલી ડોશીને પુછી જો કે શાકભાજીનો શું ભાવ છે? દિકરી કારમાંથી ઉતરીને કહે છે કે એ ડોશી..આ શાકભાજીનો શું ભાવ છે? ત્યારે માજી કહે છે કે ચાલીસ રૂપિયે કિલો..
શાકભાજી લઇને દિકરી સો રૂપિયાની નોટ શાકભાજી વેંચનાર માજીની ઉપર ફેંકે છે અને આવીને કારમાં આવીને બેસી જાય છે.જેવી કાર ચાલુ થાય છે તે સમયે એક નાનકડી બાળકી જેના હાથમાં સાઇઠ રૂપિયા હોય છે તે આવીને કારના કાચ ઉપર ટકોર કરે છે અને કારમાં બેઠેલ મહિલાને શાકભાજી ખરીદ્યા બાદ બચેલ પૈસા આપતાં કહે છે કે આન્ટીજી આપની દિકરી બાકીના પૈસા લેવાનું ભૂલી ગઇ હતી તે સાઇઠ રૂપિયા લઇ લો.ત્યારે કારમાં બેઠેલ મહિલા કહે છે કે આ બચેલ પૈસા તૂં રાખી લે.
દિકરી ખુબ જ મીઠી ભાષામાં સભ્યતાથી જવાબ આપે છે કે ના..આન્ટીજી અમારા શાકભાજીની જેટલી કિંમત હતી તે અમે લઇ લીધી છે તેથી વધારે પૈસા અમે લઇ શકતા નથી.અમે તમારો આભાર માનીએ છીએ કે આપ અમારી દુકાનમાં આવ્યા અને અમે આશા રાખીએ છીએ કે તમોને અમારી દુકાનમાંથી ખરીદેલ શાકભાજી સારી લાગશે જેનાથી આપ ફરીથી અમારી દુકાન ઉપર હંમેશાં આવ્યા કરશો આમ કહીને દિકરી બે હાથ જોડી પોતાની દુકાન ઉપર જતી રહે છે.
કારમાં બેઠેલ મહિલા આ ગરીબ દિકરીની નમ્રતા અને મીઠી ભાષાથી પ્રભાવિત થાય છે અને કારમાંથી ઉતરીને શાકભાજીની દુકાનમાં જાય છે.ત્યારે મહિલાને કારમાંથી ઉતરી પોતાની દુકાન તરફ આવતી જોઇને માજીને ચિંતા થાય છે અને પોતાની દિકરીને પુછે છે કે તેં કારમાં બેઠેલ મહિલા સાથે મર્યાદાથી વાત કરી હતીને? તેઓને કોઇ ફરીયાદનો મોકો તો નથી આપ્યો ને?
દિકરી કહે છે કે ર્માં આપે આપેલ સંસ્કારની દરેક વાતો મને યાદ છે.આપે મને શિખવ્યું છે કે ક્યારેય પોતાનાથી મોટાઓનું અપમાન ન કરવું..તેમની સાથે સભ્યતાથી વાત કરવી.. તેમની કદ્ર કરો.આ બધી આપની શિખવાડેલ તમામ વાતો મને યાદ છે અને હું આ વાતોને જીવનભર યાદ રાખીશ.ર્માં મારે નિશાળે જવાનો સમય થયો છે હું નિશાળે જાઉં છું,સાંજે નિશાળ છુટ્યા બાદ હું દુકાન પર આવી જઇશ.
કારવાળી મહિલાને ઘણું જ દુઃખ થાય છે અને શરમ આવે છે કારણ કે એક શાકભાજીવાળી ગરીબ સ્ત્રી પોતાની દિકરીને માનવતા અને પોતાનાથી મોટાઓની સાથે વાત કરવાનો શિષ્ટાચાર શિખવી રહી હતી અને પોતે પોતાની દિકરીને નાના-મોટા,ઉંચ-નીચની ભાવના શિખવી રહી હતી.
સૌથી સારો વ્યક્તિ એ કહેવાય છે જે ગમે તેટલી ઉંચાઇઓ પ્રાપ્ત કરે છતાં જમીન સાથે જોડાયેલો રહે છે.આપણે સર્વેએ પોતાના બાળકોને સારા સંસ્કાર, માનવતા, ભાઇચારાની ભાવના, સભ્યતા, આચરણ, વાણીમાં મીઠાસ,તમામનો આદર સત્કાર કરવાનું શિખવવાનું છે.
હજાર શિક્ષક ના આપી શકે એટલા બધા સંસ્કાર એક જાગૃત ર્માં બાળકને આપી શકે છે.માતા પિતા સંતાનમાં બાળ૫ણથી જેવા સંસ્કાર આપે છે તે મોટા થયા ૫છી છોડાવ્યા છુટતા નથી.બાળકોને એવા સંસ્કાર આપો કે જેથી તે અવગુણી ના બને.
મનુષ્યએ અન્ન દોષ અને રાગદોષથી બચવું જોઇએ.તેનાથી મન ઉ૫ર વિશેષ અસર ૫ડે છે અને આ અસરથી મનુષ્ય પુરેપુરો બદલાઇ જાય છે.અન્ન અને જળના સૂક્ષ્મ અંશથી મન બને છે.ચિત્તમાં જેવા સંસ્કાર હોય છે તે પ્રમાણે જ ક્રિયાઓ થાય છે.આ સંસ્કાર બે પ્રકારના હોય છેઃદ્રવ્ય સંસ્કાર અને ભાવ સંસ્કાર.ખાનપાન દ્રારા જે સંસ્કાર ઉત્પન્ન થઇને ચિત્તને પ્રભાવિત કરે છે તે દ્રવ્ય સંસ્કાર છે તથા ઇન્દ્રિયો અને મનના અનુભવ દ્રારા ચિત્તમાં જે સંસ્કાર-ભાવના જાગૃત થાય છે તે ભાવ સંસ્કાર છે.આપણે શુધ્ધ સાત્વિક આહાર,સેવા,સુમિરણ,સત્સંગથી,પ્રભુ પરમાત્માની નિષ્કામ ભક્તિથી,પ્રભુ પરમાત્માની કથા શ્રવણથી,પરોપકાર,દાન,સ્વાધ્યાય..વગેરેથી સારા સંસ્કાર લાવવાનો હંમેશાં પ્રયાસ કરવો જોઇએ.
જે ક્રિયાથી શરીર-મન અને આત્મા ઉત્તમ બને તેને સંસ્કાર કહે છે.કોઇ વસ્તુના જુના સ્વરૂપમાં ફેરફાર કરી તેને નવું સ્વરૂપ આપે તે સંસ્કાર છે.જેવી રીતે સોની અશુધ્ધ સોનાને અગ્નિમાં તપાવીને શુધ્ધ કરે છે તેવી જ રીતે બાળકોને સંસ્કારોની ભઠ્ઠીમાં નાખીને તેના દુર્ગુણોને બહાર કાઢીને તેનામાં સદગુણો ઉમેરવાનો પ્રયાસ કરવામાં આવે છે આ પ્રયત્નને સંસ્કાર કહે છે.
મનુષ્ય જે કંઇ કર્મ કરે છે તેના અંતઃકરણમાં તે કર્મના સંસ્કાર ૫ડે છે અને તે સંસ્કારો અનુસાર તેનો સ્વભાવ બને છે.આ રીતે ૫હેલાંના અનેક જન્મોના કરેલા કર્મોના સંસ્કાર અનુસાર મનુષ્યનો જેવો સ્વભાવ હોય છે તે અનુસાર તેનામાં સત્વગુણ,રજોગુણ અને તમોગુણ આ ત્રણ ગુણોની વૃત્તિઓ ઉત્પન્ન થાય છે.
મનુષ્યને રાષ્ટ્ર,સમાજ અને જનજીવન પ્રત્યે જવાબદાર અને કાર્યકુશળ બનાવવા માટે જે નિયમો નક્કી કરવામાં આવ્યા છે તેને સંસ્કાર કહેવામાં આવે છે.સંસ્કાર શબ્દનો અર્થ શુદ્ધિકરણ થાય છે.જીવાત્મા જ્યારે એક શરીરનો ત્યાગ કરી બીજા શરીરમાં જન્મ લેવાનો હોય ત્યારે એના પૂર્વજન્મનો પ્રભાવ એની સાથે જાય છે.આ પ્રભાવોનું વાહક સુક્ષ્મ શરીર હોય છે,જે જીવાત્માનાં સ્થૂળ શરીરથી બીજા સ્થૂળ શરીરમાં જાય છે.આ પ્રભાવોમાં થોડા ખરાબ સંસ્કાર હોય છે અને થોડા સારા પણ હોય છે.બાળક સારા અને ખરાબ સંસ્કારોને લઈને જીવનમાં પ્રવેશ કરે છે.સંસ્કારોનો ઉદ્દેશ્ય એ છે કે પૂર્વજન્મનાં માઠા પ્રભાવોનો ધીરે ધીરે અંત થઇ જાય અને સારા પ્રભાવોની ઉન્નતિ થાય.
જે મા-બાપ સત્સંગી હોય છે,સેવા સુમિરણ સત્સંગ કરે છે તો તેમના ભક્તિના સંસ્કાર બાળકોમાં આવે છે.જો બાળકોને ભક્તિના રસ્તા પર લાવવા હોય તો પહેલાં મા-બાપે ભક્તિ કરવી જોઇએ.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)

