કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ વિભાગની મહિલા કલ્યાણ સબંધી યોજનાઓથી માહિતગાર કરી હાઈજીન કિટનું વિતરણ કરાયું
જામનગર તા.28, ૨૮ મે “મેન્સ્ટ્રુઅલ હાયઝીન ડે”(માસિક સ્ત્રાવ દરમિયાન સ્વચ્છતા) દિવસ તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. કિશોરીઓમાં અને મહિલાઓમાં માસિક સ્ત્રાવને લઈને જુદી-જુદી ગેરમાન્યતાઓ દૂર કરવા અને લોકોમાં આ બાબતે જાગૃતિ આવે તે હેતુથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની ઉજવણીના ભાગ રૂપે કિશોરીઓ કે મહિલાઓએ રાખવાની કાળજી બાબતે સમજણ આપવા અને સમાજમાં જાગૃતિ લાવવાના હેતુથી ‘સખી‘વન સ્ટોપ સેન્ટર જામનગરના નોડલ ઓફિસર અને જિલ્લા મહિલા અને બાળ અધિકારી ડૉ. ચંદ્રેશ ભાંભીના માર્ગદર્શન હેઠળ સખી-વન સ્ટોપ સેન્ટરની ટીમ દ્વારા જામનગરના વિવિધ વિસ્તારોમાં કિશોરીઓને તેમજ મહિલાઓને વીડિયોના માધ્યમથી માહિતગાર કરવામાં આવ્યા હતા અને હાઇઝીટ કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતું. ઉપરાંત મહિલા અને બાળ વિકાસ વિભાગની મહિલા કલ્યાણ સબંધી વિવિધ યોજનાઓ જેવી કે સખી-વન સ્ટોપ સેન્ટર, પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટર, ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઇન, વ્હાલી દીકરી યોજના વગેરે અંગે વિસ્તૃત માહિતી પુરી પાડવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક હેતલબેન પ્રજાપતિ, આરોગ્ય વિભાગના મીરાબેન સવાનીયા અને રામેશ્વર, નવગામ ઘેડ તેમજ મયુરનગર વિસ્તારની મહિલાઓ અને કિશોરીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.


