સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગરનાં એસ.ટી. બસ સ્ટેન્ડમાં છેલ્લા ઘણા સમયથી ખિસ્સા કાતરૂ ગેંગનો આતંક વધી ગયો છે. ત્યારે બસસ્ટેન્ડમાં પોલીસ સ્ટાફ મુકવા માટે મુસાફર જનતા દ્વારા માગણી કરવામાં આવી છે. શહેરનાં બસસ્ટેન્ડમાં છેલ્લા ઘણા સમયથી મુસાફરોના ખિસ્સા કપાવાની ઘટનાઓ વારંવાર બની રહી છે. એકબાજુ નવું બસસ્ટેન્ડ બની રહ્યુ છે. બીજીબાજુ અંદરના ભાગમા હંગામી ધોરણે ચાલતા બસ સ્ટેન્ડમાં ખિસ્સા કાતરૂ ગેંગનો આતંક વધી ગયો છે. ખાસ કરીને, દિવાળીનાં તહેવારોમાં એસ.ટી. બસોમાં મુસાફરોની ભીડ રહેતી હતી. ત્યારે બસમાં ચડવા જતા અનેક મુસાફરોનાં ભીડનો લાભ લઈ ખિસ્સા કાતરૂ શખ્સોએ પાકીટ માર્યા હોવાની ફરિયાદ બહાર આવી છે. બસ સ્ટેશનમાં આ પ્રકારની ઘટના વારંવાર બની રહી છે. ત્યારે હંગામી ડેપોમાં સી.સી.ટી.વી ચાલુ કરવામાં આવે તેમજ પોલીસ બંદોબસ્ત મુકવામાં આવે તેવી મુસાફર વર્ગમાંથી માંગણી કરવામાં આવી છે.


