Gujarat

હાઉસિંગ બોર્ડના હપ્તાની રકમ ભરીને પેનલ્ટીમાં ૧૦૦ ટકા માફી મેળવી શકાશે        

સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ ઉજવણી અંતર્ગત ‘આઝાદી કા અમૃત મહોત્સવ – પ્રોત્સાહક વળતર યોજના’ જાહેર કરેલી છે. આ યોજનાનો લાભ લોકોને ઘરઆંગણે મળી રહે તે માટે, ૭મી સપ્ટેમ્બરથી સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં કેમ્પ થવા જઈ રહ્યા છે. જેમાં હાઉસિંગ બોર્ડના મકાનના હપ્તા ભરવાના બાકી રહી ગયા હોય તેવા રહેવાસીઓ, હપ્તાની ચડત રકમ ભરીને ૧૦૦ ટકા પેનલ્ટી માફી મેળવી શકશે.

ગુજરાત હાઉસિંગ બોર્ડના રાજકોટના એસ્ટેટ મેનેજરશ્રી એ.જે. કનેરિયાએ જણાવ્યું હતું કે, રાજકોટના જાગીર વ્યવસ્થાપકશ્રી દ્વારા વિવિધ વિસ્તારોમાં કેમ્પનું આયોજન કરાયું છે. જેમાં ૭મી સપ્ટેમ્બરે પોરબંદરમાં કડિયા પ્લોટ તથા કમલાબાગ ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે ૧૪મી સપ્ટેમ્બરે સુરેન્દ્રનગર તથા વઢવાણ સ્લમ કવાર્ટર્સ, ૨૧મી સપ્ટેમ્બરે ભુજમાં ઉમેદનગર તથા કૈલાસનગર, ૨૮મી સપ્ટેમ્બરે જામનગરના ધુવાવ, તથા ૪ ઑક્ટોબરના રોજ રાજકોટમાં મવડી, હસનવાડી તથા લક્ષ્મીવાડી ખાતે કેમ્પ યોજવામાં આવશે. જેમાં હાજર રહીને રહીશો પ્રોત્સાહક વળતર યોજનાનો લાભ ઘરઆંગણે મેળવી શકશે.

ઉલ્લેખનીય છે કે, આઝાદી કા અમૃત મહોત્સવ – પ્રોત્સાહક વળતર યોજનાને ૧૦ ઑક્ટોબર સુધી લંબાવવામાં આવી છે. યોજના અંતર્ગત રહીશો મકાનના હપ્તાની બાકી રહી ગયેલી રકમ ચૂકવીને, તેના પર લાગેલી પેનલ્ટીની ૧૦૦ માફી મેળવી શકે છે. આ યોજનાનો લાભ લેવા ગુજરાત હાઉસિંગ બોર્ડની કચેરી કે વેબસાઈટ જોવા જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *