માણાવદર શિક્ષણ જગતનું ગૌરવ…
ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસને સમગ્ર દેશમાં શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. જે સમાજ અને સરકારશ્રીના શિક્ષકો પ્રત્યેના આદરભાવને વ્યક્ત કરે છે. શિક્ષક વ્યક્તિ અને સમાજનું ઘડતર કરે છે. એટલા માટે શિક્ષક ક્યારેય સાધારણ નથી હોતો. આ વાતને શ્રી દક્ષેશ ભોજાણી અને પ્રિયંકાબેન ભૂત (શિક્ષક દંપતી) એ પોતાની કાર્ય કુશળતા અને કર્તવ્યનિષ્ઠા દ્વારા સાર્થક કરી બતાવી છે.
આ શિક્ષક દંપતીએ પોતાની શાળાઓમાં શૈક્ષણિક ફરજ ઉપરાંત સામાજિક, ધાર્મિક, રાષ્ટ્રીય અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ઉત્સાહભેર ભાગ લઈ વિદ્યાર્થીઓને રાષ્ટ્ર નિર્માણ માટે નવી દિશા આપી છે. વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તેમજ વિદ્યાર્થીઓમાં છુપાયેલી સુષુપ્ત શક્તિઓ નિખરે અને સુંદર પ્રતિભા પાંગરે તેવા અનેક પ્રયત્નો આ શિક્ષક દંપતી હર હંમેશ કરતું રહ્યું છે. ફરજ નિષ્ઠાની સાથે શિક્ષક તરીકેના કાર્યને નૈતિક જવાબદારી સમજીને આ દંપતી તન-મન-ધનથી સખત પરિશ્રમ કરે છે.
સરકારશ્રી દ્વારા માનનીય મંત્રી શ્રી દેવાભાઈ માલમની વિશેષ ઉપસ્થિતિમાં શ્રેષ્ઠ શિક્ષક તરીકે આ દંપતીનું સન્માન એ સમગ્ર માણાવદર શિક્ષણ જગત માટે આનંદ અને ગૌરવની બાબત છે. આ દંપતીએ વિદ્યાર્થીઓના હિતાર્થે ઉદારતા દાખવીને સરકારશ્રી તરફથી પુરસ્કાર રૂપે મળેલ રોકડ રકમને શાળાના વિકાસના કાર્યમાં વાપરી પ્રેરણા રૂપ કાર્ય કરેલ છે.
બહુમુખી પ્રતિભા ધરાવતા દક્ષેશભાઈ ભોજાણી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલ છે. ભારત વિકાસ પરિષદ માણાવદર શાખાના સક્રિય સભ્ય તરીકે તેઓશ્રી એ કોરોના કાળમાં ઉત્તમ કામગીરી કરેલ છે. હાલ તેઓ ભારત વિકાસ પરિષદ : સૌરાષ્ટ્ર-કચ્છ પ્રાંતમાં “ભારત કો જાનો” ના પ્રકલ્પ સંયોજક તરીકે સુંદર કામગીરી કરી રહ્યા છે. તેઓશ્રી અમદાવાદ ખાતે આવેલ સરદારધામ જેવી સામાજિક-શૈક્ષણિક સંસ્થાના માણાવદર તાલુકાના કન્વીનર તરીકેની કામગીરી શ્રેષ્ઠ રીતે કરી રહ્યા છે. વર્તમાન સમયે શ્રી દક્ષેશભાઈ ભોજાણી માણાવદર તાલુકાના કોઠડી પ્રાથમિક શાળામાં તેમજ શ્રીમતી પ્રિયંકાબેન ભૂત મટીયાણા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે કાર્યરત છે. આ શિક્ષક દંપતીને પુનઃઅભિનંદન…
તસવીર અહેવાલ
જીગ્નેશ પટેલ માણાવદર

