અમદાવાદ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ દ્વારા પાર્ટીના દરેક કાર્યકર્તાઓને જે માર્ગદર્શન મળ્યું છે એ માર્ગદર્શનનું આપણે સૌએ પાલન કરવાનું છે. આપણે સૌએ સાથે મળીને દેશની વિકાસ યાત્રામાં ભાગીદાર બનવાનું છે અને નરેન્દ્રભાઈના ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના સંકલ્પને સાકાર કરવાનો છે. યુવા મોરચા દ્વારા દેશના ૭૫માં આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે દેશના અમૃત કાળનો સંદેશો યુવાનો સુધી પહોંચે અને યુવાનોમાં એક દેશ ભક્તિનું સંચાર થાય તે હેતુથી ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસથી અમદાવાદ ખાતેથી આ યાત્રાનો પ્રારંભ થયો છે. આ યાત્રા ગુજરાતભરમાં આશરે ૩ હજાર કિમી ફરી ૮૦ વિઘાનસભા બેઠકો પર વિવિધ થીમો પર ટેબ્લો સાથે દેશ માટે શહીદ થયેલા અનેક વીરોના વિચારોને યુવાનો સુઘી પહોંચાડવાનું કામ યાત્રા દરમિયાન કરવામાં આવશે અને આશરે ૪૦૦ જેટલા સ્થાનો પર યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ભારતીય જનતા પાર્ટીના ૪૨મો સ્થાપના દિવસ નિમિતે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા આયોજિત ‘આઝાદી કા અમૃત મહોત્સવની યાત્રા’નું અમદાવાદના નિકોલ ખાતેથી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, આ દેશના યુવાનો ઉપર આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંપૂર્ણ વિશ્વાસ છે ત્યારે આ યાત્રા ગુજરાતના દરેક યુવાનો સુધી ‘આઝાદી કા અમૃત મહોત્સવ યાત્રા’ નો મેસેજ પહોંચાડશે.


