રાજકોટ
રાજકોટના ૧૫૦ ફૂટ રિંગ રોડ પર આવેલા ગોવર્ધન ચોકમાં સ્કાય હાઇટસ બિલ્ડીંગ ડી-૪૦૪માં રહેતા અને ખોડિયારનગર મેઇન રોડ પર શાલુની કોમ્પ્લેક્ષમાં પહેલા માળે એસ. કુમાર સિલેક્શન નામની રેડી મેઇડ ગારમેન્ટની દુકાન ચલાવતા દર્શન હસમુખભાઈ સાપાવડીયાએ માલવીયાનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં ખોડિયારનગરના નામચીન હિસ્ટ્રીશીટર કિશન દિલુ ચાવડાનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ દર્શનની ખોડિયારનગરમાં એસ. કુમાર સિલેકશન નામની જ્યાં દુકાન હોય તેની બાજુમાં જ કિશન રહે છે. આશરે ચાર મહિના પહેલાં કિશન દર્શન પાસે આવ્યો હતો અને સૌપ્રથમ વખત આ વિસ્તારમાં દુકાન ચલાવવી હોય તો પૈસા આપવા પડશે તેમ કહી રુ. ૨૦ હજાર બળજબરીથી પડાવી લીધા હતા. ત્યારબાદ છેલ્લા બેથી અઢી મહિનામાં અલગ અલગ સમયે કિશને દર્શન પટેલ પાસે ખંડણીરુપે અલગ અલગ અઢી લાખ રુપિયા બળજબરીથી પડાવ્યા હતા. દર્શન આ વિસ્તારનાં હિસ્ટ્રીશીટર એવા કિશન ચાવડાથી ડરતો હોવાથી તેણે ફરિયાદ કરી નહોતી અને પોલીસ ફરિયાદ નહીં કરતાં કિશનની પણ હિંમત વધી હતી. વારંવાર દર્શનને ફોન પર તેમજ દુકાને જઇ ધમકાવવાનું શરુ કર્યું હતું અને અઢી લાખ જેટલી રકમ પડાવી હતી. હજુ પણ અલગ અલગ મોબાઈલ નંબરોમાંથી ફોન કરી વધુ રકમની માગણી કરી જાે રુપિયા નહીં આપે તો દર્શન અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપતા અંતે દર્શને હિંમત દાખવી પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે કિશન દિલુ ચાવડા વિરુદ્ધ ખંડણી માગવા અંગે ગુનો નોંધી કિશનની શોધખોળ હાથ ધરી છે. મારામારી તેમજ દારુ સહિતના અનેક ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા અને અગાઉ પાસાની હવા ખાઈ ચૂકેલા ખોડિયારનગરના નામચીન હિસ્ટ્રીશીટર કિશન દિલુ ચાવડાએ ખોડિયારનગરમાં આવેલા શાલુની કોમ્પ્લેક્ષમાં પહેલા માળે એસ. કુમાર સિલેકશન નામની દુકાન શરુ કરનાર ગોવર્ધન ચોકમાં રહેતા દર્શન સાપાવડીયા પાસે જઇ દાદાગીરી કરી ધમકી આપી મારા વિસ્તારમાં તારે દુકાન ચલાવવી હોય તો મને પૈસા આપવા પડશે તેમ કહીને બળજબરીથી ૨૦ હજાર પડાવી લીધા હતા. આ વિસ્તારનાં હિસ્ટ્રીશીટર કિશન ચાવડા વિરુદ્ધ અનેક ગુના નોંધાયેલા હોય જાહેરમાં દાદાગીરી કરતા કિશન ચાવડા સામે પોલીસે અંતે ખંડણી માગવા અંગેનો ગુનો નોંધી તેને કાયદાનું ભાન કરાવવા તેની શોધખોળ શરુ કરી છે.
