અમદાવાદ
ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રવિવારથી શરૂ થઈ રહેલી વન-ડે ક્રિકેટ સિરીઝ પણ તેમાંથી બાકાત નથી પરંતુ હાલના સંજાેગો જાેતાં બંને ટીમ આ સિરીઝ રમે તેવી શક્યતા વધુ છે. મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રવિવારે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે સિરીઝની પ્રથમ વન-ડે મેચ રમાશે. મોટેરાનું આ સ્ટેડિયમ પ્રથમ વાર ૧૯૮૩માં બન્યું અને ૨૦૨૧માં નવા રૂપરંગ સાથે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરીકે તે અસ્તિત્વમાં આવ્યું તે સહિત છેલ્લા ૩૮ વર્ષના ગાળામાં આ સ્ટેડિયમ અનેક સિદ્ધિઓનું સાક્ષી બન્યું છે. હવે આ સ્ટેડિયમ ભારતની ૧૦૦૦મી વન-ડેનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. ૧૯૮૩માં માત્ર નવ મહિનાના ગાળામાં બંધાયેલા સ્ટેડિયમ પર સુનીલ ગાવસ્કરે એ વખતે સૌથી વધુ ટેસ્ટ રનનો જ્યોફ બોયકોટનો રેકોર્ડ તોડ્યો હતો તો આ જ મેદાન પર ગાવસ્કરે કારકિર્દીના ૧૦,૦૦૦ રન પૂરા કર્યા હતા. અગાઉ ટેસ્ટ ક્રિકેટમાં કોઈ બેટ્સમેને દસ હજાર રન કર્યા ન હતા તો ભારતના મહાન ઓલરાઉન્ડર કપિલદેવે ૧૯૯૪ના ફેબ્રુઆરીમાં આ જ સ્થળે શ્રીલંકા સામેની ટેસ્ટ દરમિયાન કારકિર્દીની ૪૩૨મી વિકેટ ઝડપી સર રિચાર્ડ હેડલીનો રેકોર્ડ તોડીને ટેસ્ટ ઇતિહાસમાં સૌથી વધુ વિકેટ ખેરવવાની સિદ્ધિ હાંસલ કરી હતી. મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે ૧૯૯૯માં ન્યૂઝીલેન્ડ સામે ૨૧૭ રન ફટકારીને કારકિર્દીની પ્રથમ બેવડી સદી ફટકારી હતી. આવા તો અસંખ્ય વિક્રમ અહીં નોંધાયા છે. હજી ફેબ્રુઆરી ૨૦૨૧માં આ સ્ટેડિયમ નવેસરથી બંધાયા બાદ ભારતે માત્ર બે જ દિવસમાં ઇંગ્લેન્ડને હરાવીને ટેસ્ટ જીતી હતી. હવે અહીં જ ભારત તેની ૧૦૦૦મી વન-ડે રમવા જઈ રહ્યું છે. વન-ડે ક્રિકેટમાં ભારત સુવર્ણ ઇતિહાસ ધરાવે છે. ૧૯૮૩માં જયારે ભારતને કોઈ ગણતરીમાં લેતું ન હતું ત્યારે કપિલદેવની ટીમે ઇંગ્લેન્ડમાં વર્લ્ડ કપ જીત્યો હતો અને એ વખતના સુપરપાવર વેસ્ટ ઇન્ડિઝને ફાઇનલમાં હરાવીને ટાઇટલ જીત્યું હતું તો ૨૦૧૧માં મહેન્દ્રસિંહ ધોનીની ટીમે ભારતને બીજી વાર વર્લ્ડ કપ અપાવ્યો હતો એ વખતે ભારતે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતેની ફાઇનલમાં શ્રીલંકાને હરાવ્યું હતું. ભારતે ૧૯૮૫માં ઓસ્ટ્રેલિયામાં બેન્સન એન્ડ હેજીસ વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ ક્રિકેટ એટલે કે મિની વર્લ્ડ કપ જીત્યો હતો. ભારતીય ટીમે શારજાહમાં પણ ઘણી ટુર્નામેન્ટ જીતી છે. તાજેતરની વાત કરીએ તો મહેન્દ્રસિંહ ધોની અને વિરાટ કોહલીની ટીમે વન-ડેમાં ભારતને ઘણી સફળતા અપાવેલી છે. જેમાં આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી ટાઇટલનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત ભારતીય ટીમ આઇસીસી ક્રમાંકમાં પણ મોખરાના સ્થાને રહી ચૂકી છે. અંગત સિદ્ધિની વાત કરીએ તો સચિન તેંડુલકરનું નામ મોખરે આવે. સચિન તેંડુલકર માત્ર ભારત માટે નહીં પરંતુ વન-ડે ઇતિહાસમાં સૌથી વધુ રન અને સૌથી વધુ સદી ફટકારનારો ખેલાડી છે તો એક સમયે સૌથી વધુ વિકેટ (એ વખતે ૨૨૫) વિકેટ ખેરવવાનો વિશ્વવિક્રમ પણ ભારતના કપિલદેવના નામે હતો. કપિલદેવે આ આંક ૨૫૩ સુધી પહોંચાડ્યો હતો. સચિન તેંડુલકર ૧૮૪૨૬ રન, ૪૯ સદી અને ૯૬ અડધી સદીનો વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે. સચિન તેંડુલકર ૫૫ વખત સદીની ભાગીદારી નોંધાવી ચૂક્યો છે તો તેના સાથી સૌરવ ગાંગુલીએ ૫૩ વખત સદીની ભાગીદારી નોંધાવી છે અને બંનેએ સાથે મળીને ૨૯ વખત સદીની ભાગીદારી નોંધાવી છે. વન-ડે ક્રિકેટમાં સૌપ્રથમ બેવડી સદી પણ ભારતના નામે છે. સચિન તેંડુલકરે ૨૦૧૦માં ગ્વાલિયર ખાતે સાઉથ આફ્રિકા સામે અણનમ ૨૦૦ રન ફટકાર્યા હતા. ત્યાર બાદ વીરેન્દ્ર સેહવાગે પણ બેવડી સદી ફટકારી પરંતુ રોહિત શર્મા આ તમામને પાછળ રાખીને અત્યારે મોખરે છે. રોહિત શર્મા વન-ડે ઇનિંગ્સમાં ૨૬૪ રન ફટકારનારો બેટ્સમેન છે. નવેમ્બર ૨૦૧૪માં કોલકાતા ખાતેની વન-ડેમાં તેણે શ્રીલંકા સામે ૨૬૪ રન ફટકાર્યા હતા. રોહિત આટલેથી અટક્યો નથી કેમ કે તે વન-ડેમાં ત્રણ બેવડી સદી ફટકારી ચૂક્યો છે.
