Gujarat

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સંચારી રોગોની અટકાયત અને જિલ્લા સર્વેક્ષણ અન્વયે બેઠક યોજાઈ

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, જામનગર જિલ્લા પંચાયત દ્વારા સંચાલિત સંચારી રોગોની અટકાયત અને જિલ્લા સર્વેક્ષણ અન્વયે કલેકટર કચેરી સભાખંડ ખાતે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી બી.એન. ખેરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં, વોટર કલોરીનેશન, કોવિડ-19 વેક્સિનેશન, ઘન કચરાનો નિકાલ, પાણીજન્ય અને વાહકજન્ય રોગોના અટકાવ અને નિયંત્રણ કાર્યક્રમના પાસાંઓ અને આગામી શું નવા સુધારાઓ તેમજ પગલાંઓ લઇ શકાય તેની સમિતિના સદસ્યો સાથે ચર્ચા- વિચારણા કરવામાં આવી હતી.

વર્ષમાં બે વખત સંચારી રોગ સર્વેક્ષણ અને સંકલન સમિતિની સમીક્ષા બેઠક યોજવામાં આવતી હોય છે. પાણી પુરવઠા વિભાગ દ્વારા કોઈપણ સ્થળે જો પાણી લીકેજીસની સમસ્યા સર્જાય તો 24 કલાકની અંદર તેનું રિપેરિંગ કાર્ય પૂર્ણ કરવામાં આવે છે. હવેથી, જામનગર મનપાની ફૂડ શાખા દ્વારા ગામડાઓમાં જઈને પણ ચા-પાનના લારી ગલ્લા વગેરે ખાણીપીણીના સ્થળો પર રેગ્યુલર ચેકીંગ હાથ ધરવામાં આવશે. શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આકસ્મિક રીતે પણ ફૂડ ચેકીંગ અને ફૂડ સેમ્પલિંગ કામગીરી પણ હાથ ધરવામાં આવશે. જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી તેનો અમલ કરવા માટે નિવાસી અધિક કલેકટરશ્રી બી.એન. ખેર દ્વારા સૂચનો કરવામાં આવ્યા હતા.

ગામડામાં ફૂડ સેફટીની કામગીરી વધારવી, સમિતિના સદસ્યશ્રીઓ દ્વારા પોતાના વિભાગની વિવિધ વિઝીટ દરમિયાન પણ ક્લોરોસ્કોપ મશીન સાથે રાખવું, જેથી સ્થળ પર જ પાણીના નમુનાની તપાસ થઇ શકે. બીસલેરી તેમજ અન્ય મિનરલ વોટરના પ્લાંટસની પણ વખતો વખત વિઝીટ લેવામાં આવશે, જેથી પાણીજન્ય રોગો પર સફળતાપૂર્વક કાબુ મેળવી શકાય. આ ઉપરાંત, કાલાવડની સાથોસાથ જામજોધપુર ખાતે પણ વોટર કલોરીનેશન પ્લાંટની મંજૂરી મેળવવામાં આવશે. વર્ષ 2030 સુધીમાં મલેરિયા પર કાબુ મેળવી લેવાનો લક્ષ્યાંક સિદ્ધ કરવામાં આવ્યો છે. હવેથી મેડિકલ સર્વિસીઝ કરતા પ્રિવેન્ટિવ અને હેલ્થ સર્વિસીઝ પર સૌથી વધુ ધ્યાન આપવું- તે લક્ષ્યાંકો પર ચર્ચા-વિચારણાઓ કરવામાં આવી હતી.

આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી, જિલ્લા સેલ્સ ટેક્સ ઓફિસરશ્રી, જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ ઓફિસરશ્રી તેમજ અન્ય વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *