એકવાર એક વ્યક્તિને રસ્તામાં યમરાજા મળી જાય છે પરંતુ તે ઓળખી શકતો નથી.યમરાજા પીવા માટે પાણી માંગે છે,એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના તે યમરાજાને પાણી પીવડાવે છે.પાણી પીધા પછી યમરાજા કહે છે કે હું તારો પ્રાણ લેવા માટે આવ્યો હતો પરંતુ તમે મારી તરસ છીપાવી છે તેથી હું તને પોતાની કિસ્મત બદલવાની એક તક આપું છું,આમ કહીને યમરાજાએ એક ડાયરી તે વ્યક્તિને આપીને કહ્યું કે તમારી પાસે પાંચ મિનિટનો સમય છે.આમાં તમે ધારો તે લખી શકો છો અને તે પ્રમાણે જ કરવામાં આવશે પરંતુ યાદ રાખજો ફક્ત પાંચ મિનિટનો સમય આપવામાં આવે છે.
તે વ્યક્તિએ ડાયરી ખોલીને જોયું તો પ્રથમ પાન ઉપર લખ્યું હતું કે તેના પડોશીને લોટરી લાગવાની છે અને તે કરોડપતિ બનવાનો છે આ વાંચીને તેને લખી નાખ્યું કે તેના પડોશીને લોટરી ના લાગે.બીજા પાન ઉપર લખેલું હતું કે તેનો એક મિત્ર ચુંટણીમાં જીતીને મંત્રી બનવાનો છે,તે જગ્યાએ તેને લખી નાખ્યું કે તેનો મિત્ર ચુંટણી હારી જાય.
આવી જ રીતે તે એક પછી એક ફેરવતો ગયો અને સુધારા વધારા કરતો ગયો.અંતમાં તેને પોતાનું પાનું જોવામાં આવ્યું અને કંઇક લખવા પેન ઉઠાવી તે સમયે યમરાજાએ તે વ્યક્તિના હાથમાંથી ડાયરી લઇ લીધી અને કહ્યું કે બેટા તારો પાંચ મિનિટનો સમય પુરો થાય છે તેથી કંઇ થઇ શકશે નહી.
તમે મળેલ સમયમાં બીજાનું ખરાબ કરવામાં જ પસાર કરી દીધો છે અને પોતાનું જીવન ખતરામાં મુકી દીધું છે એટલે તમારો અંત નક્કી છે.આવું સાંભળીને તે વ્યક્તિને ઘણો જ પસ્તાવો થાય છે પરંતુ હવે પસ્તાવાનો કોઇ અર્થ ન હતો કેમકે સોનેરી સમય પસાર થઇ ગયો હતો.
આ કથા ઉપરથી અમારે એ બોધપાઠ લેવાનો છે કે જો અમોને પ્રભુ પરમાત્માએ શક્તિ પ્રદાન કરી હોય તો ક્યારેય કોઇનું ખરાબ ના વિચારવું કે ના તો ખરાબ કરવાનું છે.બીજાનું ભલું કરનાર હંમેશાં સુખી થાય છે અને ઇશ્વરની કૃપા હંમેશાં મળતી રહે છે.
વિનોદભાઇ માછી નિરંકારી
નવીવાડી,તા.શહેરા,પંચમહાલ
૯૭૨૬૧૬૬૦૭૫(મો)

