ગાંધીનગર
અકસ્માતના ઘણા કિસ્સાઓ સામે આવે છે પરંતુ અમુક પોલીસ ના કામો સારા હોય છે જ્યાં આવો જ એક કિસ્સો ગાંધીનગરમાં જાેવા મળ્યો છે. આ અકસ્માતગ્રસ્ત મહિલાનું નિધન થતા તેના સગા સંબંધીઓને શોધી કાઢીને મૃતદેહ સોંપવાની સરાહનીય કામગીરી કરતા સમગ્ર પોલીસબેડામાં સેકટર – ૭ પોલીસની કામગીરીને બિરદાવવામાં આવી રહી છે.
ગાંધીનગરના ખ- ૦થી ગ- ૦ ની વચ્ચે એસજી હાઈવે ઉપર એક અજાણી મહિલાને નડેલા અકસ્માતમાં સેકટર-૭ પોલીસે માનવતા ભર્યું વલણ દાખવ્યું હતું. પોલીસ દ્વારા અજાણી મહિલાના વાલી વારસોને શોધવા માટે અથાગ મહેનત કરતાં મરનાર મહિલા બિલમણા ગામની હોવાની પુષ્ટિ થઈ હતી. સમગ્ર ઘટનાની વિગત એવી છે કે આજે ૧૦ઃ૩૦ ના સુમારે ખ-૦ નજીક એક મહિલાને અકસ્માત નડયો હતો. બેહોશ હાલતમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવેલી આ મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસના અનુસંધાને આ મહિલાના કોઈ વાલી વારસ મળી આવતા ન હતા. પરિણામે સેકટર-૭ પોલીસ ઇન્સ્પેક્ટર ધર્મેન્દ્ર ચૌધરીની સૂચનાથી એએસઆઈ દિલીપસિંહ મહોતજી રાણા અને રાઈટર અનિલભાઈ કાળાભાઈ ઠાકોર, સિવિલ ઓપીડી જમાદાર જીતેન્દ્રસિંહ સહિતની ટીમે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.જાેકે માનવતાભર્યું ઋજુ હૃદય ધરાવતા પોલીસ જવાનોએ આ મહિલાના સંબંધીઓને શોધી કાઢવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. કલાકોની મહેનત પછી તેઓને આ મહિલા દહેગામ તાલુકાના બિલમણા ગામની હોવાનું જાણવા મળ્યું હતું.
ભારે જહેમત બાદ આ મૃત મહિલાના સગા સંબંધીઓને બોલાવીને તેઓ પાસેથી અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવવા માટે પણ તજવીજ હાથ ધરી હોવાનું પણ જાણવા મળ્યું છે. આ મૃત મહિલા બિલમણા ગામના લીલાબેન અમરતજી ઠાકોર હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે સેકટર-૭ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


