જૂનાગઢ જિલ્લામાં જન્મપૂર્વે એટલે ગર્ભાવસ્થા દરમિયાન બાળકોના ગેરકાયદે જાતિ પરીક્ષણ અટકાવવામાં માટેના વિવિધ પગલાંની સમીક્ષા કરવામાં આવી હતી.
જૂનાગઢ જિલ્લા પંચાયત ભવન ખાતે આ સંદર્ભે જન્મપૂર્વ નિદાન ટેકનિક (નિયમન અને દૂરૂપયોગ નિવારણ) અધિનિયમ-૧૯૯૪ હેઠળની જિલ્લા સલાહકાર સમિતિની બેઠક મળી હતી. જેમાં સમગ્ર જિલ્લાની હોસ્પિટલમાં કાર્યરત સોનાગ્રાફી, સીટી સ્કેન અને એમઆરઆઈ મશીન માટે પીસી એન્ડ પીએનડીટી એક્ટ હેઠળની જોગવાઈઓનુ અમલીકરણ અને ઈન્સપેક્શનની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. ઉપરાંત સોનોગ્રાફી, સીટી સ્કેન અને એમઆરઆઈ મશીનના રજીસ્ટ્રેશન, સર્વિસ, વેચાણ સહિતના મુદ્દે વિગતવાર ચર્ચા અંતે મંજૂરી બહાલી આપવામાં આવી હતી.
અખિલ હિંદ મહિલા પરિષદના અધ્યક્ષા શ્રીમતિ સાધનાબેન નિર્મળની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં RCHO શ્રી મનોજ સુતરીયાએ પીસી એન્ડ પીએનડીટી એક્ટ હેઠળ તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીની વિગતો રજૂ કરી હતી.
આ બેઠકમાં જિલ્લા મહિલા મંડળના પ્રતિનિધિ, સિવિલ હોસ્પિટલના સ્ત્રીરોગ તથા બાળરોગ નિષ્ણાંત ડોક્ટર અને પેથોલોજીસ્ટ સહિતના જિલ્લા સલાહકારી સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.


