છોટાઉદેપુર જિલ્લામાં આગામી સમયમાં ગણેશ ઉત્સવ, નવરાત્રી તહેવાર ઉજવવામાં આવનાર છે. દર વર્ષે આ તહેવારો દરમ્યાન જુદા જુદા દેવી દેવતાઓની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવે છે અને સ્થાપના બાદ ધાર્મિક રીત – રિવાજ મુજબ પ્રસંગ પૂર્ણ થયા બાદ આ મૂર્તિઓને જુદી જુદી નદીઓ, તળાવો વિગેરેના પાણીમાં વિસર્જન કરવામાં આવે છે.દેવી/દેવતાઓની મૂર્તિઓની બનાવટમાં પ્લાસ્ટર ઓફ પેરીસ (P.O.P) તથા કેમીકલ યુકત રંગોનો ઉપયોગ કરવામાં આવે છે. આ મૂર્તિઓને નદી, તળાવમાં વિસર્જન કર્યા બાદ પ્લાસ્ટર ઓફ પેરીસ (P.O.P)નું પાણીમાં વિઘટન ન થવાથી તથા કેમીકલ યુકત રંગો પાણીમાં ભળવાથી પાણી પ્રદુષિત થાય છે આવુ પ્રદુષિત પાણી પીવાથી જીવલેણ બિમારીઓ થવાની શકયતાઓ છે તેમજ પાણીમાં રહેતા જળચર જીવોનું અસ્તિત્વ જોખમાય છે, પર્યાવરણને ગંભીર નૂકશાન થાય છે વગેરે બાબતો ધ્યાને લઈ તેમજ છોટાઉદેપુર જિલ્લામાં તહેવારો દરમ્યાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને શાંતિમય વાતારવણમાં, પ્રદુષણ રહિત તહેવારો ઉજવાય તે માટે જાહેર હિતમાં કેટલાક પ્રતિબંધો મુકવા જરૂરી જણાય છે.
જે વાસ્તે આર. કે. ભગોર (જી.એ.એસ.) અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, છોટાઉદેપુરે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, છોટાઉદેપુરના હુકમ ક્રમાંક/એમએજી/વશી/૬૫૮૨/૨૦૧૭, તા.૩૦/૧૨/૨૦૧૭થી ફોજદારી કાર્યરીતી અધિનયમ – ૧૯૭૩ (૧૯૭૪ ના નંબર ૨)ની કલમ ૧૪૪ હેઠળ જાહેરનામાં બહાર પાડવા તેમને મળેલ સત્તાની રૂએ નીચે મુજબના કાર્યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.
મૂર્તિઓની બનાવટમાં કુદરતી વસ્તુઓનો ધાર્મિક રીતે પ્રચલીત ચીકણી માટીનો ઉપયોગ કરવો, ભઠ્ઠીમાં શેકેલી ચીકણી માટી કે પ્લાસ્ટર ઓફ પેરીસ (P.O.P) નો ઉપયોગ કરવો નહી. મૂર્તિઓની બનાવટમાં મૂર્તિઓ પાણીમાં સહેલાઈથી ઓગળી શકે તેવા બિન ઝેરી કુદરતી રંગનો જ ઉપયોગ કરવો, ઝેરી અને ઉતરતી કક્ષાના રસાયણ કે કેમીકલ યુકત રંગોથી મૂર્તિને કલર કરવો નહી. કોઈપણ મૂર્તિકારો કે પ્રતિમા બનાવનાર કારીગરો – કલાકારોએ ૯ (નવ) ફૂટથી વધુ ઉંચાઈની બનાવવી નહી કે વેચવી નહી. આયોજકોએ બેઠકની ઉંચાઈ સહિત ૧૨ (બાર) ફુટથી વધારે ઉંચાઈની મૂર્તિઓની સ્થાપના કરવી નહી એટલે કે વિર્સજન – સરઘસમાં સામેલ વાહન સહિત મૂર્તિઓની પ્રતિમા કુલ ૧૫ (પંદર) ફુટથી વધારે રાખવી નહી. મૂર્તિઓની બનાવટમાં બીજા ધર્મના લોકોની ધાર્મિક લાગણી દુભાય તેવા કોઈ ચિન્હો કે નિશાનીઓ રાખવી નહીં.
મૂર્તિઓનું વેચાણ થયા બાદ વધેલી તથા ખંડિત મૂર્તિઓને બિનવારસી હાલતમાં છોડીને જવુ નહી તે અંગે જિલ્લાના તમામ આયોજકો/નગરપાલિકા/ગ્રામ પંચાયત તથા પોલીસ વિભાગ ધ્વારા ખાસ તકેદારી રાખવાની રહેશે. મૂર્તિકારો જે જગ્યાએ મૂર્તિઓ બનાવે-વેચે તે જગ્યાની આજુબાજુમાં ગંદકી કરવી નહી તે અંગે નગરપાલિકા / ગ્રામ પંચાયતોએ તકેદારી રાખવી.
છોટાઉદેપુર જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કોઈપણ ખાનગી કે જાહેર સ્થળે રાત્રીના સમય કલાક ૧૨: ૦૦ પછી કોઈ પણ ગરબા, રાસ-ગરબા કે કાર્યક્રમમાં માઈક તથા લાઉડ સ્પીકર ચાલુ રાખી શકાશે નહી, માઈક તથા લાઉડ સ્પીકરનો ઉપયોગ નોઈઝ પોલ્યુશન (રેગ્યુલેશન એન્ડ કંટ્રોલ) રૂલ્સ ૨૦૦૦ની કલમ પ(૨)(૩)ની જોગવાઈઓને આધિન તથા ગુજરાત સરકારશ્રીના તા.૨૧/૦૩/૨૦૧૭ના જાહેરનામાં અનુસાર રાત્રિના ૧૨ : ૦૦ વાગ્યા સુધી જ કરવાનો રહેશે, રાત્રિના ૧૨:૦૦ વાગ્યા બાદ કોઈ પબ્લીક એડ્રેસ સિસ્ટમ,વાજીંત્ર કે ઢોલ પણ વગાડવો નહીં, ઉત્સવ દરમ્યાન લોકો લાલ, સફેદ, અબીલ, ગુલાલ જેવા પાવડરો ઉડાડતા હોય છે જેમાં સફેદ પાવડર કે જે આંખોને નુકશાનકારક હોઈ સફેદ પાવડર નહી વાપરવા અને ઝેરી પાવડર તથા જ્વલનશીલ પદાર્થો ફેકવા નહી. સ્ફોટક પદાર્થ લઈ જવાની મનાઈ ફરમવવામાં આવી છે.
આ હુકમ તા.૨૫/૦૮/૨૦૨૨ થી તા.૨૩/૧૦/૨૦૨૨ (બન્ને દિવસો સહિત) સુધી સમગ્ર છોટાઉદેપુર જિલ્લો અથવા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, છોટાઉદેપુરની હુકમતનો સમગ્ર વિસ્તાર અમલમાં રહેશે, આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર અથવા તે માટે મદદ કરનારને ભારતીય ફોજદારી અધિનિયમ-૧૮૬૦ની કલમ- ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે એમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી જણાવાયું છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
