રીપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ
જિલ્લા કલેક્ટર અને પ્રાંત અધિકારીની મુખ્ય ઉપસ્થિતિમાં કઠલાલ તાલુકાના અપ્રુજી ગામ ખાતે ગ્રામ સભા યોજાઈ હતી. જેમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ, નાણાપંચની ગ્રાન્ટ અને સ્વચ્છતા, રોડ રસ્તા બાંધકામ અને સરકારી સહાય અંતર્ગત મકાન પ્લોટના વિષય ઉપર ખુલીને ચર્ચા કરવામાં આવી હતી.
લોકશાહીને ગ્રામ સ્તરે સત્તાના વિકેન્દ્રીકરણથી ખરા અર્થમાં સાર્થક કરવા ગામડાનાં છેવાડાના નાનામાં નાના વ્યક્તિને પોતાની વાત રજુ કરવાની તક મળે તે હેતુથી ગ્રામસભાનું આયોજન કરવામાં આવે છે.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટરએ પ્રાથમિક જરુરીયાતોને સંબધિત વિવિધ મુદ્દાઓ અને ભવિષ્યમાં આવનાર નવા સુધારાઓ પર ચર્ચા કરીને ગામ લોકોના પ્રશ્નોના સંતોષકારક જવાબ તથા આ બાબતે ઘટતું કરવાની ખાતરી આપી હતી. મતદાર સુધારણા કાર્યક્રમ ઉપર વિશેષ ભાર મુકતા કલેક્ટરશ્રીએ તમામ ગામ લોકોને તત્કાલિક ધોરણે તમામ જરુરી સુધારાઓ વહેલી તકે પુરા કરી ચુંટણી પ્રક્રિયાને વધુ પારદર્શી અને અસરકારક બનાવવામા સહયોગ આપવા અને પોતાની નાગરીક તરીકેની જવાબદારીનું વહન કરવા અપીલ કરી હતી. શ્રી બચાણીએ મતદારયાદી સુધારણા કાર્યક્રમમાં નામ દાખલ કરવા માટે શરૂ થનારા નવા સુધારાઓની વાત કરી હતી. વધુમાં તેમણે મિલકત મુદ્દે ભવિષ્યમાં આવનાર ડ્રોન વડે માપણીની વાત કરી હતી અને 60 વર્ષથી વધુના લોકો માટેના ફ્રી બુસ્ટર ડોઝ બદલ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ સભામાં વિવિધ લોકો અને પંચાયતના સભ્યો દ્વારા વરસાદી પાણી, જાહેર રસ્તામાં બાંધકામ, સસ્તા અનાજની દુકાન, વાત્રક નદી પરના સાંકડા પુલની ટ્રાફિક અને તેનાથી થતાં અકસ્માતો, આધારકાર્ડના કામ-કાજ માટે થતા ધક્કા, શૌચાલય યોજનાને મામલે થયેલાં ભ્રષ્ટાચાર, વંચિતો માટે મકાન પ્લોટની ફાળવણી અને દારુ વેચાણ બાબતે ખુલીને પ્રશ્નોની રજુઆત કરવામાં આવી હતી. આ તમામ પ્રશ્નોના જિલ્લા કલેક્ટર દ્વારા સંતોષકારક જવાબ આપવામા આવ્યા હતા તેમજ આ બાબતે તમામ સ્તરે મદદ કરવાની કલેક્ટરશ્રીએ ખાતરી આપી હતી.
આ સભામાં હાજર પ્રાંત અધિકારીએ ગામ લોકોના તમામ પ્રશ્નોના સમયસર નિકાલ માટે તમામ સ્તરે મદદ કરવાનુ આશ્વાસન આપ્યુ હતુ. કઠલાલ તાલુકા વિકાસ અધિકારીએ અપ્રુજી ગામમાં પુર્ણ થયેલાં અને આગામી સમયમા કરવામાં આવનાર વિકાસકાર્યોનો વિસ્તૃત અહેવાલ આપ્યો હતો. ઉપરાંત અપ્રુજી ગામ ખાતે તારીખ 8 થી 22 જુલાઈ-2022 દરમિયાન માહિતિ સુધારણા કાર્યક્રમ અંતર્ગત થનાર કામગીરીની વિસ્તૃત માહિતિ બી.એલ.ઓ દ્વારા આપવામાં આવી હતી. જેમાં નામ સુધારણા, કમી કરવા, સરનામું બદલવા તથા ઓનલાઈન સુધારા માટે ગરુડા એપ અને એનવીએસ પોર્ટલની જાણકારી આપવામાં આવી હતી.
ગ્રામ સભા અંતર્ગત નાણાપંચની ગ્રાન્ટ, લાઇટની સુવિધા, રોડ-રસ્તાના હાલમાં ચાલુ, પેવર બ્લોકના કામો અંગે તથા સામૂહિક સફાઈ, સ્ટ્રીટ લાઈટ વગેરે કામો અંગેની સમીક્ષા કરવામાં આવી.
અપ્રુજી ગામે યોજાયેલ ગ્રામસભામાં જિલ્લા કલેક્ટર, પ્રાંત અધિકારી, કઠલાલ તાલુકા વિકાસ અધિકારી, વન વિભાગ, જીઈબી, મતદાર સુધારણા, આંગડવાડી, અન્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, વિવિધ ગામના સરપંચો, સભ્યો સહિત ગામ લોકો હાજર રહ્યા હતા.

