સાગર નિર્મળ
જૂનાગઢ
સમાજમાં જે લોકો ભ્રષ્ટાચાર સામે પોતાની અવાજ નથી ઉઠાવી શકતા તેવા માટે જાગૃત નાગરિક તરીકે જનહિતની ભૂમિકા ભજવી લડનારા જાગૃત નાગરિકો અને વિપરીત પરિસ્થિતિમાં પરિવારનું સુકાન સંભાળી ઉગારનાર મહિલાઓ, વિપરીત પરિસ્થિતિમાં મા-બાપની સેવા કરનાર વ્યક્તિઓ સહિત ૫૦ કરતા પણ વધુ વિરલ વ્યક્તિત્વના સન્માન માટેનો અનોખો કાર્યકર્મ યોજાયો.
જૂનાગઢ માનવ અધિકાર સંગઠન દ્વારા ,વૈદિક નવ વર્ષ નિમિત્તે એક અનોખા સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલાઓ,પુરૂષો, અને કોઈપણ રાજકીય ક્ષેત્રમાં સક્રિય ન હોય છતાં સમાજ માટે સતત લડનારા જાગૃત નાગરિકો ના સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું.
આ અંગે વિસ્તૃત અહેવાલ અનુસાર જૂનાગઢ માનવ અધિકાર સંગઠન દ્વારા એક અનોખા સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું, આયોજકોના મતે દરેક વ્યક્તિ પોતાના માટે તો જીવન જીવે જ છે પરંતુ પરિવાર માટે પોતાનું જીવન ન્યોછાવર કરનાર એટલે કે પરિવારમાં પુરુષની હયાતી ન હોય અથવા, ગંભીર બીમાર હોય, તેવા પરિવારનું સંચાલન કરતી સ્ત્રીઓ, તેવી જ રીતે સ્ત્રી ની ગેરહાજરીમાં આવી લડત લડતા પુરુષો અને આવી જ રીતે સંતાનોની અકાળે ગેરહાજરી હોય અને વ્રુધ્ધાવસ્થામાં પોત્ર, પૌત્રીના, ઉછેરની જવાબદારી સ્વીકારી હોય તેવા વડિલો અને મા-બાપની સેવા કરતા વ્યક્તિઓ તેમજ પોતાના કોઈપણ પ્રકારના સ્વાર્થ વગર કે કોઈપણ પ્રકારની રાજકીય આશા અપેક્ષા વગર સમાજમાં થતા અન્યાય સામે જે લોકો અવાજ ઉઠાવી શકતા નથી, આ ઉપરાંત સરકારી ક્ષેત્રમાં જ્યાં ખોટું થતું હોય, ભ્રષ્ટાચાર થતો હોય ત્યાં વાતને નજરઅંદાજ કરવાના બદલે એક જાગૃત અને જવાબદાર નાગરિક તરીકે પોતાની નૈતિક જવાબદારી સ્વીકારીને જાતે ફરિયાદી બની દરેક મુદ્દાને સરકાર તેમજ સરકારના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ તેમજ વધુ જરૃર હોય તો ન્યાયાલયમાં પણ સમાજના દુશ્મનોને ખો ભૂલાવી દેનાર જાગૃત નાગરીકોનો સન્માન સમારંભ આગામી તારીખ ૦૩ એપ્રિલને શનિવાર ના રોજ બપોરે ૦૩ કલાકે આર્ય સમાજ દાતાર રોડ ખાતે આયોજિત કરવામાં આવ્યો. આ કાર્યક્રમના આયોજક અને જૂનાગઢ માનવ અધિકાર સંગઠનના આગેવાન ડો.વર્ષાબેન રાદડિયા દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, સમાજના આવા લડવૈયા માટે દરેક હૃદયમાં સન્માનની લાગણી તો હોયજ છે પરંતુ આવા લોકોને સમાજની વચ્ચે લાવી અને તેનું સન્માન કરવાથી અન્યોને પણ તેમના જીવનમાંથી પ્રેરણા મળી શકે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેનામાં પોતાના પરિવાર સહિત સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવના છે તેઓ કાયમ માટે વસુદેવકુટુંબકમની ભાવના થકી અમારી સંસ્થા માટે સન્માનિત રહેશે. આ તકે જુનાગઢમાં જાગૃત નાગરીક તરીકેની ભૂમિકા ભજવતા તુષારભાઈ સોજીત્રા, જીગનેશભાઈ પંડ્યા તેમજ સાગરભાઈ નિર્મળ તેમજ સમાજના આવા ઉપસ્થિત લડવૈયાનું જાહેરમાં સન્માન કરવામાં આવ્યું હતું.
આ તકે જાગૃત નાગરિક એવા તુષારભાઈ સોજીત્રા, જીગનેશભાઈ પંડ્યા તેમજ સાગરભાઈ નિર્મળ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ બહુમાનથી આમારી જવાબદાર નાગરિક તરીકેની જવાબદારી વધી છે અને આમારી પણ એવી ઈચ્છા છે કે આ જવાબદારી દેશના દરેક નાગરિક પણ સંભાળે દરેક ઘરે એક વ્યક્તિ તો હોવો જ જોઈએ કે જે પોતાની નૈતિક જવાબદારી સ્વીકારીને દેશમાં થતા ભ્રષ્ટાચાર સામે લડત કરે.
આ કાર્યક્રમની સાથે સાથે આર્યસમાજ સંસ્થા અને જુનાગઢ માનવ અધિકાર સંગઠનના સંયુક્ત ઉપક્રમે વિશ્વ શાંતિ ના ઉત્તમ ઉદ્દેશ્યથી ગાયત્રી યજ્ઞનું પણ આયોજન કરી આહુતિ આપવામાં આવી હતી.


