રાજકોટનાં મોરબી રોડ પરનાં સેટેલાઇટ ચોક નજીક, પુલ નીચે આવેલા પનીરના કારખાના પર ફૂડ વિભાગે ઓચિંતા દરોડા પાડ્યા હતા. જેમાં આશરે 500 કિલો જેટલો શંકાસ્પદ લુઝ પનીરનો જથ્થો ઝડપાયો છે, જેને અધિકારીઓ દ્વારા તાત્કાલિક અસરથી સીઝ કરવામાં આવ્યો હતો. આ પનીર ક્યાંથી આવ્યું હતું અને તેમાં કયા પદાર્થોનું મિશ્રણ કરવામાં આવ્યું હતું તેની સંપૂર્ણ તપાસ કરવા માટે લુઝ પનીરના 2 અલગ-અલગ સેમ્પલ લેવામાં આવ્યા છે અને તેને પૃથક્કરણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
આ કારખાનું કોઈપણ પ્રકારના ફૂડ લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવી રહ્યું હોવાનું ખુલતા આ આખું કારખાનું સીલ કરી દેવામાં આવ્યું છે અને કારખાનાના સંચાલક પ્રકાશભાઈ હરસોડાને 10,000નો દંડ ફટકારીને કડક નોટિસ આપવામાં આવી છે.
ગત 25 તારીખથી લઈને 1 તારીખ સુધીમાં પનીરના વિવિધ એકમો સામે વ્યાપક ઝુંબેશ ચલાવવામાં આવી છે, જેમાં 25 તારીખે કુલ 3 એકમો પનીરના સીલ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ 29 તારીખે વધુ 3 એકમો સીલ કરાયા હતા અને 30 તારીખે 1 એકમ પર સીલિંગની કાર્યવાહી કરવામાં આવી હતી. આજની કાર્યવાહી પણ આ જ ડ્રાઇવનો એક ભાગ છે.

