Gujarat

પાંચ વર્ષ બાદ ભરૂચ આવેલા પ્રધાનમંત્રીને સાંભળવા 6થી 7 કિમી પદયાત્રા કરીને જનમેદની ઉમટી

પાંચ વર્ષ બાદ PM 2.0 માં નરેન્દ્ર મોદીની ભરૂચ જિલ્લાના આમોદ ખાતે ₹8200 કરોડના વિકાસ કામોની ભેટ ધરવાને લઈ પધરામણી ટાણે વરસાદી માહોલમાં પ્રજા પ્રધાનમંત્રીને સાંભળવા અને જોવા 6 થી 7 કિમી પદયાત્રા કરી સભા સ્થળ સુધી પહોંચી હતી.
ભરૂચ જિલ્લામાં આજે સોમવારે મળસ્કેથી જ તમામ વાહનો રૂટ આમોદ તરફ જોવા મળ્યો હતો. બીજી વખત વડાપ્રધાન બન્યા બાદ પાંચ વર્ષે નરેન્દ્ર મોદી ભરૂચ જિલ્લામાં આવી રહ્યા હોય તંત્ર, ગુજરાત સરકાર તેમની આગતા સ્વાગતામાં કોઈ કચાસ છોડી ન હતી. એસટી બસો, ખાનગી વાહનોની હાર બદ્ધ કતારો અને તેમાં સવાર જનમેદની આમોદ તરફ આગળ વધી રહી હતી. સભા સ્થળ રેવા સુગરથી મુખ્ય માર્ગ ઉપર 9 કિમી લાંબી વાહનોની કતારો 10 કલાક સુધી માં ખડકાઈ ગઈ હતી.
વરસાદ બાદ સભા સ્થળને યુદ્ધના ધોરણે દુરસ્ત કરાયું હતું. પાર્કિંગમાં હજી વરસાદી પાણીની અસર હોય પ્રજાને 6 થી 7 કિલોમીટર પદયાત્રા કરવી પડી હતી. જોકે તેમના પ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને 5 વર્ષ બાદ પ્રત્યક્ષ જોવા અને સાંભળવા આ પદયાત્રાને લઈને પ્રજાના ઉત્સાહમાં લગીરે ઓટ આવી ન હતી. ત્રણ ડોમ સવારે 10.30 કલાકમાં જ માનવ મહેરામણથી ભરચક થઈ ગયા હતા. જોકે ડોમમાં જમીન હજી પણ ભીની હોય જાજમ બિછાવી મુકેલી ખુરશીઓ માટીમાં ખુપતિ જોવા મળી હતી. પણ આ તમામ કુદરતી પ્રતિકૂળ સ્થિતિ વચ્ચે હજારોની જનમેદનીએ અનુકૂલન સાંધી બસ નરેન્દ્ર મોદીના આગમનની આતુરતાપૂર્વક વાટ જોવાની શરૂ કરી દીધી હતી.

IMG-20221010-WA0132.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *