Gujarat

મંત્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને શિલ્પોત્સવનો સમાપન સમારોહ યોજાયો

અંબાજી
કલાકાર પોતાનામાં રહેલી આંતરસૂઝ, સર્જનશક્તિના સહારે તેમાં પ્રાણ પૂરવાની જે કોશિશ કરે છે. તેને બળ આપવા માટે રાજ્ય સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ અંતર્ગત કમિશ્નરશ્રી, ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કચેરી ગાંધીનગર સંચાલિત બનાસકાંઠા જિલ્લાના અંબાજી મુકામે આવેલ સ્ટોન આર્ટિઝન પાર્ક ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ (સાપ્તિ) ખાતે તા.૨૦ જુલાઇથી રાષ્ટ્રીયકક્ષાના બીજા શિલ્પોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો સમાપન સમારોહ આજે સહકાર અને ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશભાઇ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને અંબાજી સાપ્તિ ખાતે યોજાયો હતો. આ શિલ્પોત્સવ દરમ્યાન દેશના જુદા જુદા રાજ્યોમાંથી આવેલા શિલ્પકારોએ પોતાની કલાના કામણ પાથર્યા હતા તે નિહાળીને મંત્રીએ આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, આપણા ભારતની મહાન પ્રાચીન સંસ્કૃતિને ઉજાગર કરવાનું કામ આ શિલ્પોત્સવના માધ્યમથી થયું છે. ત્યારે શિલ્પોત્સવમાં દેશભરમાંથી આવેલા તમામ શિલ્પકારોને અભિનંદન પાઠવી તેમની કલાને બિરદાવું છું. મંત્રીએ વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે, આપણી સંસ્કૃતિના જતન માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ-૨૦૦૯માં ગુજરાતના પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી અને ધ્રાંગધ્રા ખાતે સ્ટોન આર્ટીઝન પાર્કનું નિર્માણ કરાવ્યું હતું. આવનારા સમયમાં શિલ્પકળાના વિકાસ અને માર્કેટ માટે સાથે મળીને કામ કરવા તેમણે અનુરોધ કર્યો હતો. મંત્રીએ અંબાજી ખાતે ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન અને પૂજા-અર્ચના કરી હતી આ પ્રસંગે ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ વિભાગના કમિશ્નર રૂપવંતસિંહે જણાવ્યું કે, રાજ્ય સરકારશ્રીના માર્ગદર્શનથી આપણે માઇનીંગ ક્ષેત્રમાં ખુબ સરસ કામગીરી કરી રહ્યા છીએ. કાળમિઢ પથ્થરને જીવંત કરવાનો એક અદભૂત કાર્યક્રમ યાત્રાધામ અંબાજીને આંગણે આજે સંપન્ન થયો છે. એક પથ્થરને જ્યારે કલાકાર તેનાં ટાંકણા વડે કોઈ આકાર આપે છે ત્યારે તે દેવત્વ ધારણ કરે છે અને સર્વ જગત તેને ભગવાનના રૂપે પૂજે છે.

File-02-Page-14.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *