આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ ના ઉપલક્ષમાં તા. ૦૧/૧૦/૨૦૨૨ ની સ્થિતિએ લાયકાત ધરાવતા દરેક વ્યક્તિની મતદાર યાદીમાં નોંધણી થાય તથા મતદારયાદી ક્ષતિરહિત બને તે માટે હાઉસ ટુ હાઉસ કાર્યક્રમ જાહેર કરાયેલ છે. આ કાર્યક્રમ દરમિયાન બીએલઓ દ્વારા ઘરોની મુલાકાત લઈ લાયકાતની તારીખ ૦૧/૧૦/૨૦૨૨ ની સ્થિતિએ ૧૮ વર્ષ પૂર્ણ કરેલ તમામ વ્યક્તિની મતદાર યાદીમાં નોંધણી કરાવવા ફોર્મ નંબર ૬ ભરવામાં આવે છે. તથા અવસાન અને કાયમી સ્થળાંતર ના કિસ્સાઓમાં મતદારયાદી માંથી નામ કમી કરાવવા ફોર્મ નંબર ૭ ભરવામાં આવી રહેલ છે.
જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી રચિત રાજ દ્વારા આ અંગે જિલ્લાની પાંચ વિધાનસભા મતવિસ્તારના બુથોનું બુથ દિઠ એનાલિસિસ કરી છેલ્લા એક વર્ષ દરમ્યાન પ્રમાણમાં ઓછી કામગીરી થયેલ બુથોને અલગ કરી, જે બુથોમાં એક વર્ષ દરમિયાન ફોર્મ નંબર ૬ તથા ફોર્મ નંબર ૭ મળીને કુલ ૨૬ ફોર્મથી ઓછા ફોર્મ મેળવેલ હોય તેવા બુથોના બીએલઓ, સુપરવાઇઝર, મતદાર નોંધણી અધિકારી તથા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દ્વારા સઘન પ્રયત્નો કરી વધુમાં વધુ પરિણામલક્ષી કામગીરી કરવા તથા મતદાર યાદીને ક્ષતિરહિત બનાવવા માટે આયોજન કરવામાં આવેલ હોવાનું જણાવ્યું છે.
વધુમાં, જૂનાગઢ જિલ્લાના દરેક નાગરિકોને પોતાનું નામ મતદાર યાદીમાં યોગ્ય રીતે નોંધાયેલ હોવા અંગે ખાતરી કરવા તેમજ જો નામ નોંધાવવાનું બાકી હોય તો સત્વરે પોતાનું નામ મતદાર યાદીમાં નોંધાવવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી જાહેર જનતાને અપીલ કરી છે.
