અમદાવાદ
ગુજરાતના પડોશી રાજ્ય રાજસ્થાનના ઉદેપુરમાં નૂપુર શર્માના સમર્થકની કરપીણ હત્યાને પગલે સમગ્ર રાજસ્થાનમાં ગંભીર પરિસ્થિતિ સર્જાઇ રહી છે. ત્યારે તેના પડઘા ગુજરાતમાં ન પડે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગુજરાત સરકારે પણ અગમચેતીના પગલાં રૂપે પોલીસને એલર્ટ કરી દીધી છે. ત્યારબાદ આજે સાંજે રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી ગુજરાતના જિલ્લા પોલીસવડા અને શહેર પોલીસ કમિશનરો સાથે ગુજરાતની વર્તમાન કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે વિસ્તૃત સમીક્ષા કરશે. આ ઉપરાંત ૧લી તારીખે યોજાનારી રથયાત્રા સંદર્ભે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત અંગે પણ મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા કરશે. અમદાવાદ સહિત રાજ્યભરમાં આગામી અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભક્તિ ભાવ સાથે નીકળશે. આ પ્રસંગે ગુજરાતના અનેક શહેરોમાં રથયાત્રા નીકળવાની હોવાથી, તમામ વ્યવસ્થાઓ અને સુરક્ષા સંબંધી આયોજનની સમીક્ષા માટે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી. ધાર્મિક આસ્થા અને કોમી એકતાના ઉદાહરણ સ્વરૂપ આ રથયાત્રામાં કોઈ અનિચ્છનિય ઘટના બનવા ન પામે અને મોટી સંખ્યામાં ભાવિકો નિશ્ચિંત થઈ, ભગવાનને વિહાર કરતા નિહાળી શકે તે માટે ગૃહ રાજ્યમંત્રી સતત સંકલન કરી રહ્યા છે. રાજ્યભરની વ્યવસ્થા અને સુરક્ષા બાબત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા યોજાનાર બેઠક અગાઉ ગૃહમંત્રીએ સમીક્ષા કરી સમગ્ર આયોજનની જાણકારી મેળવી હતી. બેઠકમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ, એટીએસ, આઈબી સહિત તમામ એજન્સીના અધિકારીઓ હાજર રહ્યા હતા. અષાઢી બીજના દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથની ૧૪૫મી રથયાત્રા નીકળશે. તે ઉપરાંત રાજ્યમાં અલગ અલગ ૧૮૦ જગ્યાઓ પર રથયાત્રા યોજાશે. સમગ્ર રાજ્યમાં શાંતિપૂર્ણ રીતે રથયાત્રા યોજાય તે માટે પોલીસે એક્શન પ્લાન બનાવી દીધો છે. સોમવારે રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયાએ અમદાવાદ પોલીસ કમિશ્નર કચેરી ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં રથયાત્રાના બંદોબસ્તની સમીક્ષા કરીને પોલીસવડાએ જરૂરી સૂચનાઓ આપી હતી. અમદાવાદ પોલીસ કમિશ્નર કચેરી ખાતે પોલીસવડા આશિષ ભાટીયાએ અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ, આઈબીના વડા તથા શહેરના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં રથયાત્રાના રૂટ તથા એલર્ટને લઈને ખાસ ચર્ચાઓ કરવામાં આવી હતી. તેમજ રથયાત્રામાં રાખવાની તકેદારી અંગે પણ પોલીસ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. આ વર્ષે રાજ્યમાં ૧૮૦ રથયાત્રા યોજાશે. જેમાં સૌથી મોટી રથયાત્રા અમદાવાદની રહેશે જેમાં ૧૦ લાખ લોકો ભાગ લેશે અને ૧૯ કિમીનો રૂટ રહેશે. આ વર્ષે રાજ્યમાં ૨૫ પેરા મિલિટરી ફોર્સની કંપની બહારથી બંદોબસ્તમાં આવી છે જેમાંથી ૨૨ કંપની અમદાવાદના રથયાત્રાના બંદોબસ્ટમાં રહેશે.આ ઉપરાંત અમદાવાદના બંદોબસ્ત માટે અમદાવાદ બહારથી ૪ ડીઆઈજી/આઈજી ,૨૦ એસપી,૬૦ ડીવાયએસપી,૧૫૦ પીઆઈ,૩૦૦ પીએસઆઈ,૨૦૦૦ પોલીસકર્મીઓ,૨૧ એસઆરપી કંપની બોલાવવામાં આવી છે. ડ્રોન કેમેરા,બોડી ઓન કેમેરા તથા સોશિયલ મીડિયાથી સાયબર ક્રાઈમ અને સીઆઈડી ક્રાઈમમાં આવેલ સાયબરની ટીમ નજર રાખશે. તમામ કેમેરા ગાંધીનગર આવેલ ત્રીનેત્ર કંટ્રોલ રૂમમાં દેખાશે જ્યાંથી રથયાત્રાનું મોનીટરીંગ કરવામાં આવશે.રાજસ્થાનના ઉદયપુરમાં થયેલી કરપીણ હત્યાને પગલે ઊભી થયેલી ભારેલા અગ્નિ જેવી સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર પણ એલર્ટ બની ગઈ છે. રાજ્યના મુખ્યમંત્રી, ગૃહા રાજ્યમંત્રી અને પોલીસ વડાએ તમામ જિલ્લાના પોલીસ વડા અને પોલીસ કમિશનર સાથેની એક બેઠક યોજવામાં આવી છે. જેમાં રાજસ્થાનની ઘટના અને રથયાત્રા અંગેની પોલીસ વ્યવસ્થાની સંપૂર્ણ સમીક્ષા કરવામાં આવશે.


