ગુજરાતમાં વર્ષ ૨૦૦૨ની કોમી રમખાણો દરમિયાન બિલ્કિશબાનુ પર થયેલ ગેંગરેપ અને તેમના પરીવારના સાત સભ્યોની હત્યાના ગંભીર ગુન્હામાં સંડોવાયેલા ૧૧ આરોપીઓને ગુજરાત સરકાર દ્વારા માફી આપીને છોડી મુકવાના નિર્ણય કરાતાં સમગ્ર દેશમાં વિરોધનો વંટોળ ઉભો થયો છે. ત્યારે સરકાર તાત્કાલિક આ નિર્ણય પરત ખેંચી અને આરોપીઓને પુનઃજેલહવાલે કરે તેવી માંગ સાથે ગઈકાલે વંથલી મામલતદાર મારફતે વંથલી શહેર તાલુકા કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રપતિ ને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી.
આ બાબતે કોંગી અગ્રણીઓ એ આપેલ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, ૨૦૦૨ ના કોમી તોફાનો સમયે બિલ્કિશબાનુ પર થયેલ ગેંગરેપ તથા તેમના પરીવારના ૭ સભ્યોની હત્યાના ૧૧ અપરાધીઓને ગુજરાત સરકાર દ્વારા માફી આપીને છોડી મુકવાનો નિર્ણય આધાતજનક હોય જેથી તાત્કાલીક આ મામલે હસ્તક્ષેપ કરીને કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને ગુજરાત સરકાર દ્વારા અપરાધીઓને માફી આપવાના નિર્ણયને પાછો લેવામાં આવે તે જરૂરી છે.
લાચાર અને નિસહાય ગર્ભવતી મહીલા બિલ્કીશબાનુ ઉપર થયેલ સામુહીક ગેંગરેપ અને તેમના પરીવારના ૭ સભ્યોની હત્યા કરનારા અપરાધીઓને છોડી મુકવાનો આદેશ સ્વતંત્રતા દિવસે કરીને ગુજરાતની ભાજપ સરકારે સ્વતંત્ર દિવસ કલંકીત કરેલ છે, પરંતુ આવા નિર્મમ હત્યારાઓને મુક્ત કરવા જોઈએ નહીં. ગુજરાત ભાજપ સરકારે બિલ્કીશબાનુ સામુહીક બળાત્કાર મામલામા સાત અપરાધીઓને માફી આપીને ખુબજ મોટો અન્યાય કર્યો છે જેથી ન્યાય મેળવવા માટે સંઘર્ષ કરી રહેલા લોકો માટે આ નિર્ણય ખુબજ નીરાશાજનક છે. આવા ગંભીર ગુન્હામાં કોર્ટ દ્વારા સજા પામેલા અપરાધીઓની સજા માફ કરવી એ બિલ્કિશબાનું કેસમા હળાહળ અન્યાય છે.
બિલ્કીસબાનુ સાથે જ્યારે બળાત્કાર થયો ત્યારે તેના પેટમાં ૫ મહીનાનો ગર્ભ હતો. તેમની ૩ વર્ષની દિકરી સહીત પરીવારના ૭ સભ્યોની તેમની આંખોની સામે બેરેહેમીથી હત્યા કરવામાં આવેલ હતી. આવા અપરાધીઓને સખ્તમા સખ્ત સજા મળવી જોઈએ. એમના થી વિપરીત ગુજરાતની ભાજપ સરકાર આવા જઘન્ય અપરાધોના અપરાધીઓને માફ કરી દીધા છે. એ સૌથી મોટી આધાતજનક વાત છે
આ આવેદનપત્ર આપતી વખતે વંથલી શહેર કોંગ્રેસ પ્રમુખ ઈરફાનશાહ સોહરવર્દી, તાલુકા પ્રમુખ મનસુખ પાડલિયા, પ્રદેશ કોંગ્રેસ અગ્રણી હરિભાઈ કણસાગરા, જિલ્લા પંચાયત સદસ્ય અરવિંદભાઈ લાડાણી, સીરાઝ વાજા, હાસમ સાંધ, માણાવદર તાલુકા પ્રમુખ જીગ્નેશ છેયાં, રફીકશા સર્વદી, તૌસીફ અઝીઝ સહીત ના હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ: હાર્દિક વાણીયા વંથલી


