વડોદરા
સયાજી હોસ્પિટલની તબીબી સાધનોની જરૂરિયાત જાણીને જીતુભાઇએ તુરંત જ અનુદાન ફાળવ્યું તેનો ઉલ્લેખ કરતાં તબીબી અધિક્ષક ડો.રંજન કૃષ્ણ ઐયરે જણાવ્યું કે, તેમણે દર્દીની જરૂરિયાતને અનુરૂપ સાધનો પસંદ કરવા અને ખરીદવાની પણ અમને છૂટ આપી જેની નોંધ લેવી ઘટે. અમારા તબીબો આ ખૂબ અદ્યતન ઉપકરણોનો સુચારુ અને શ્રેષ્ઠ ઉપયોગ કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતાં ડો.ઐયરે જણાવ્યું કે, આ સાધનોનો સચોટ નિદાન અને ત્વરિત ર્નિણય માટે ઇમરજન્સી મેડીસિન વિભાગ અને ટ્રાયેજમાં ઉપયોગ શરૂ કરી દેવાશે. તેમણે જણાવ્યું કે, સયાજી હોસ્પિટલની સાધન સમૃદ્ધિ માટે સાંસદ રંજનબહેન ભટ્ટે તથા મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, ધારાસભ્ય ધારાસભ્ય યોગેશ પટેલ અને સીમાબેન મોહિલે એ અનુદાન ફાળવણી કરી છે અને અદ્યતન સાધનો ખરીદવામાં આવી રહ્યાં છે જે મધ્ય ગુજરાતના આ સૌ થી મોટા દવાખાનાની આરોગ્ય સેવાઓને કોર્પોરેટ હોસ્પિટલની સમકક્ષ બનાવશે. કયા સાધનો મળ્યા ઓટોમેટિક રીડિંગ અને પ્રિન્ટ આઉટની સુવિધાવાળું અદ્યતન બાર ચેનલનું ઇ.સી.જી.મશીન,દર્દીના પલંગ સુધી લઈ જઈને ઉપયોગ કરી શકાય તેવું,રૂ.૧૮ લાખની કિંમતનું પોર્ટેબલ અલ્ટ્રા સોનોગ્રાફી મશીન જેમાં ઇકો કાર્ડિયોગ્રાફીની પણ સુવિધા છે અને પોઇન્ટ ઓફ કેર બ્લડ ગેસ એનાલાયઝર જે એ.બી.જી. મશીન તરીકે ઓળખાય છે.તેનાથી સચોટ અને ત્વરિત નિદાન ના આધારે ઉચિત સારવારનો ર્નિણય લઈ શકાશે. આ કાર્યક્રમમાં બરોડા મેડિકલ કોલેજના ડીન ડો.તનુજા જાવડેકર, વહીવટી નોડલ અધિકારી ડો.બેલીમ ઓ.બી.,સિનિયર તબીબો અને નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા.વડોદરાના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જીતેન્દ્ર સુખડીયાની વિધાયક અનુદાન ફાળવણીમાંથી સયાજી હોસ્પિટલ માટે ખરીદવામાં આવેલા અતિ અદ્યતન તબીબી ઉપકરણોનું મેયર કેયુર રોકડિયાની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, કોરોના કાળમાં સરકારી હોસ્પિટલોની તબીબી સાધન સુવિધા વધે તેવા આશય સાથે રાજ્ય સરકારે ધારાસભ્યોને તેમના અનુદાનની દવાખાનાઓ માટે ફાળવણી કરવાની છૂટ આપી હતી. સાધારણ પરિવારના દર્દીઓને આ અતિ અદ્યતન તબીબી સાધનોથી આરોગ્ય સેવા મળશે અને સારવાર વધુ અસરકારક બનશે તેનો આનંદ વ્યક્ત કરતાં જીતુ સુખડીયાએ જણાવ્યું કે, કોરોના કાળમાં સયાજી હોસ્પિટલે ઉત્તમ આરોગ્ય સેવાઓ પૂરી પાડી છે. તબીબી અધિક્ષક, તબીબો, કર્મચારીઓ અને રાજ્યના આરોગ્ય વિભાગે ખૂબ જહેમત લઈને સયાજીની સેવાઓને લોકાભિમુખ બનાવી છે. પરિણામે સામાન્યથી લઈને કરોડપતિ દર્દીને સયાજીમાં સારવાર લેવાનું મન થાય તેવું વાતાવરણ બન્યું છે. વડોદરા માટે આ ગૌરવની વાત છે.


