પાલનપુર
બનાસકાંઠા જિલ્લામાં ત્રીજી વેવ વચ્ચે કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થતો જાેવા મળી રહ્યો છે. જ્યારે બનાસકાંઠા જિલ્લામાં કોરોના એક્ટિવ કેસ એક હજારને પાર છે, ત્યારે વહીવટ તંત્રને જિલ્લામાં ચાર જેટલી આરટીપીસીઆર ટેસ્ટની લેબ અંબાજી, ડીસા, ભાભર તેમજ થરાદ ખાતે ચાલુ કરવાની સૂચના સરકાર દ્વારા મળી હતી. જેને લઇને થરાદની સરકારી હોસ્પિટલમાં આરટીપીસીઆર લેબ ખુલ્લી મુકાતાં બનાસકાંઠાનાં સરહદી તાલુકા સુઈગામ, ભાભર, વાવ, થરાદ, ધાનેરા, દિયોદર, કાંકરેજના આરટીપીસીઆર સેમ્પલનું તાત્કાલિક ધોરણે ત્યાં જ ટેસ્ટિંગ થઈ જશે. આ લેબના ઉદ્ઘાટન પ્રસંગે બનાસકાંઠાના સાંસદ પરબતભાઇ પટેલ, થરાદ સરકારી હોસ્પિટલના ડો. કુલદીપભાઈ, થરાદ તાલુકા હેલ્થ ઓફિસર ડો. એચ.વી.જયપાલ, થરાદ શહેર ભાજપ પ્રમુખ અજય ઓઝા, થરાદ તાલુકા ભાજપ પ્રમુખ ઉમેદસિંહ ચૌહાણ સહિતના આગેવાનો અને થરાદ રેફરલનો તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. આ અંગે અધિક જિલ્લા આરોગ્ય અધિકારી જીગ્નેશભાઈ હરયાણીએ જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લામાં ત્રીજી વેવમાં આરટીપીસીઆર સેમ્પલના ટેસ્ટિંગમાં તકલીફ ન પડે તે હેતુથી જિલ્લામાં અંબાજી, ડીસામાં, થરાદમાં અને ભાભરમાં ચાર હોસ્પિટલોમાં આરટીપીસીઆર લેબ ચાલુ કરવાની સુચના મળી હતી. તેના અનુસંધાને હાલમાં પ્રથમ તબક્કે થરાદમાં આરટીપીસીઆર લેબ કાર્યરત કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અંદાજિત રૂ. ૫૦ લાખ કરતાં વધુના ખર્ચે આરટીપીસીઆર લેબ તૈયાર કરવામાં આવી છે. તેથી સરહદી તાલુકામાં જેવા કે સુઈગામ, ભાભર, વાવ, થરાદ, ધાનેરા, દિયોદર, કાંકરેજ, લાખણીની વસ્તીનાં આરટીપીસીઆર સેમ્પલનું તાત્કાલિક ધોરણે ત્યાં ટેસ્ટિંગ થઈ જશે. તાત્કાલિક ઝડપી રિઝલ્ટ મળી જાય તે હેતુથી આ પગલું ભરવામાં આવ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.બનાસકાંઠાની થરાદ રેફરલ હોસ્પિટલ ખાતે સાંસદ પરબત પટેલના હસ્તે આરટીપીસીઆર લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. રૂ. ૫૦ લાખના ખર્ચે એક દિવસના ૫૦૦ કરતાં વધુ સેમ્પલ ચેક કરવાની ક્ષમતા વાળી લેબને લોકાર્થે આજે ગુરૂવારે ખુલ્લી મુકવામાં આવી હતી.


