ગીર સોમનાથ
આઈપીએલ ક્રિકેટ લીગ ઉપર વેરાવળ સોમનાથનું યુવાધન સટ્ટો રમાવા ચડયું હોવાની લોકોમાં થઈ રહેલ વ્યાપક ચર્ચાઓ વચ્ચે લાંબા સમય બાદ પોલીસે કરેલ કાર્યવાહીથી ચકચાર પ્રસરી છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ વેરાવળમાં યુવાનો મોબાઈલ આઈડી મારફત સટ્ટો રમતા હોવાની મળેલ બાતમીના આધારે જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાની સુચનાથી એલસીબી પીએસઆઈ કે.જે.ચૌહાણએ સ્ટાફને સાથે રાખી શહેરમાં સોમનાથ ટોકિઝ રોડ ઉપર લકકી પ્રોવિઝન સ્ટોર પાસે આઇપીએલ -૨૦૨૨ ની લીગના ક્રિકેટ મેચ ઉપર મોબાઈલમાં ઓનલાઇન લીંક મારફતે લાઈવ સટ્ટો રમી રહેલ સાજીદ રજાકભાઇ ઐબાણીને રંગેહાથ પકડી પાડી તેના મોબાઈલમાંથી ક્રીકેટ ઉપર સટ્ટો રમવાની કુલ બે આઇ.ડી. માંથી એક આઇ.ડી.માં રૂ.૩૧ હજાર તથા બીજી આઇ.ડી.માં રૂ.૩૧,૭૦૦ તેમજ રોકડ રૂ.૧૨,૭૫૦ તથા મોબાઇલ કી.રૂ.૧૫ હજાર મળી રોકડ, બેલેન્સ મળી કુલ રૂ.૯૦ હજારનો મુદામાલ મળી આવ્યો હતો. જે અંગે સાહિદ રજાકભાઇ ઐબાણી સામે જુગાર ધારાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તેની પાસેથી મળી આવેલ સટ્ટો રમવાના આઈડીની તથા ઓનલાઇન ક્રીકેટ સટ્ટો રમતા અન્ય બે શખ્સોને પકડવા ચક્રો ગતિમાન કરેલ છે.હાલ ચાલી રહેલ આઈપીએલ ક્રિકેટ લીગ પર વેરાવળમાં સટ્ટો રમાતો હોવાની બાતમીના આધારે એલસીબી સ્ટાફે સોમનાથ ટોકિઝ વિસ્તારમાં મોબાઈલમાં આઈડી મારફત સટ્ટો રમતા એક શખ્સને ઝડપી લીધો હતો. આ શખ્સ પાસેથી રોકડા ૧૨ હજાર અને મળી આવેલ બંન્ને આઈડીમાં ૬૨ હજારની બેલેન્સ મળી આવવાની સાથે બે શખ્સોના નામ ખુલતા તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.


