Gujarat

શાળાના નવા ઓરડા મંજૂર ન થતા વિદ્યાર્થીઓ બહાર બેસી અભ્યાસ કરવા મજબૂર ગ્રામજનોએ અનોખી રીતે વિરોધ નોધાવ્યો

નવસારી
નવસારીના સાદડવેલ ગામે સરપંચ અને ગ્રામજનો દ્વારા શાળા પ્રવેશ મહોત્સવ દરમિયાન ગીત ગાઈને અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગામની સોનારિયાં શાળાના જર્જરિત ઓરડા તોડ્યા બાદ નવા ઓરડા મંજૂર થયા નથી. જેને લઈ ગ્રામજનોએ ગીત ગાઈને વિરોધ નોંધાવ્યો હતો. અમે કાગડિયા લખી લખી થાકયા સરકાર છતાં માનતી નથી….. આ પ્રકારના ગીત ગાઈને અનોખી રીતે વિરોધ કર્યો હતો. રાજ્ય સરકાર દ્વારા હાલ શાળા પ્રવેશોઉત્સવ ઉજવી રહી છે. ત્યારે સાદડવેલ ગામમાં બાળકોને ભણવા માટે પર્યાપ્ત ઓરડા ન મળતાં છેલ્લા અનેક સમયથી સબંધિત તંત્રને આ મામલે જાણ કરવામાં આવી હતી. તેમ છતાં કોઈ કાર્યવાહી ન થતા શાળા બહાર ગ્રામજનોએ ગીત ગાઈને પ્રવેશોત્સવનો વિરોધ કર્યો હતો અને નવા ઓરડાની માંગ કરી હતી. ગામમાં આવેલું સોનારિયા શાળાની જર્જરિત ઇમારત ઉતારી દેવાયા બાદ નવી ગ્રાન્ટ ન મળતા ગ્રામજનોમાં નારાજગી જાેવા મળી રહી છે. અઠવાડિયા અગાઉ જિલ્લા કલેક્ટરને આ મામલે આવેદન આપ્યું હતું અને નવા ઓરડાની ગ્રાન્ટ બાબતે ચર્ચા કરી હતી. શાળામાં પૂરતા પ્રમાણમાં ઓરડા ન હોવાના કારણે વિદ્યાર્થીઓએ બહાર બેસી અભ્યાસ કરવા મજબૂર બનતા વાલીઓએ ઉગ્ર બનીને અનોખા અંદાજમાં વિરોધનું શસ્ત્ર ઉગામ્યું છે. લોકો વિરોધ કરવા માટે અનોખા માધ્યમનો ઉપયોગ કરે છે ત્યારે સાદડવેલ ગ્રામજનોએ ગીત ગાઈને વિરોધ કર્યો છે. ‘ઉનાળાના ચાર ચાર મહિના ગયા છતાં નવા ઓરડા આવ્યાં નથી…. સરકાર વાત માનતી નથી…. એવા ગીત ગાયને વિરોધ કરી રહ્યા છે. આગામી સમયમાં ઓરડા બનાવવાની માંગણી સંતોષવામાં ન આવે તો શાળાને તાળુ મારી બાળકોને ઘરે ભણાવવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં સાદડવેલ ગામમાં ૮૦૦ જેટલી વસતી છે. ગામમાં ૩ પ્રાથમિક શાળા છે ત્યારે ગામની સોનારિયા પ્રાથમિક શાળા જર્જરિત બનતા તેને તોડી પાડવા માટે મંજૂરી માંગવામાં આવી હતી. જેથી ફેબ્રુઆરી માસમાં તેને તોડી પાડવાની મંજૂરી મળી હતી પરંતુ હજુ સુધી નવા ઓરડાની મંજૂરી મળી નથી અને એસએસએના ઓરડાઓમા ૧૨૫ જેટલા બાળકોને ભણાવી શકાય તેમ નથી જેથી ગ્રામજનોએ સુવિધાયુક્ત ઓરડાની માંગ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *