સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે સુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં ઉપસ્થિત શિક્ષણમંત્રી અને વન અને પર્યાવરણ મંત્રી સહિતના મહેમાનોનું ઝાલાવાડી પાઘડી અને કોટી આપીને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જિલ્લામાં શિક્ષણ અને શિક્ષકોના પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. શાળા પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમોના માધ્યમથી શાળામાં ૧૦૦ ટકા નામાંકન થઈ રહ્યું છે, તેમજ ડ્રોપ આઉટ રેશિયામાં ઘટાડો થઈ રહ્યો છે. આ ઉપરાંત ગુણોત્સવ જેવા કાર્યક્રમો થકી શિક્ષણનું સ્તર ઉંચુ લાવવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે, આજે સરકાર દ્વારા શાળામાં અદ્યતન માળખાકીય સુવિધાઓ વિકસાવવામાં આવી છે. આ સુવિધાઓનો લાભ લઇ આજે ગામડાના બાળકો યોગ્ય શિક્ષણ મેળવી રહ્યા છે. શિક્ષણ અને શિક્ષક બંનેને ન્યાય આપવાનો રાજ્ય સરકારનો હંમેશા પ્રયાસ રહ્યો છે. શિક્ષણને પ્રાથમિકતા આપીને રાજ્ય સરકાર દ્વારા ક્વોલિફાઈડ શિક્ષકોની ભરતી કરવામાં આવી છે તેમજ શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ જેવા કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકારની ઉદાર નીતિને કારણે શિક્ષક સંઘના અનેક પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવ્યો છે. વધુમાં મંત્રી એ જણાવ્યું હતું કે, રાષ્ટ્ર માટે શિક્ષણ મહત્વનું છે અને શિક્ષણ માટે શિક્ષક મહત્વનો છે. શિક્ષણ ક્ષેત્રે મહત્વનું યોગદાન આપીને શિક્ષણ વિભાગ દ્વારા શ્રેષ્ઠ કામ કરવામાં આવી રહ્યું છે. માટે શિક્ષણના માધ્યમથી શ્રેષ્ઠ ભારતના નિર્માણમાં સહભાગી બનીએ. આ પ્રસંગે રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ દિગ્વિજય જાડેજાએ પ્રાસંગિક ઉદબોધન કરી રાજ્ય સરકાર દ્વારા શિક્ષકોની બદલીના નિયમોમાં ફેરફાર જેવા અનેક શિક્ષક હિતલક્ષી ર્નિણયો બદલ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘના મહામંત્રી સતિષભાઈ પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના મહામંત્રી ગંભીરસિંહ બોરાણાએ આભારવિધિ કરી હતી.સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે સુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનો સન્માન સમારોહ તેમજ રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘની કારોબારી સભા યોજાઈ હતી. જેમાં શિક્ષણ મંત્રી કિર્તિસિંહ વાઘેલા અને વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.આ તકે મંત્રીઓનું રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં શિક્ષણ અને શિક્ષકોના પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરાઈ હતી.


