સાવરકુંડલા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
આમ તો આપણાં દેશમાં મકરસંક્રાતિનું પર્વ દાન અને દક્ષિણા માટે ખૂબ મહત્ત્વનું છે. એટલે મકરસંક્રાંતિ પછી હજુ પણ આપણે દેશમાં ખીચડો દેવાનો રીવાજ છે. આમ પણ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનો એક આગવો મિજાજ છે. મકરસંક્રાંતિને ખીહર પણ કહે છે. આ દિવસ નિમિત્તે બહેન – દિકરી, ગાય, કૂતરા અને જરૂરિયાતમંદ લોકોને પોતાના હસ્તે દાન દક્ષિણા અનાજ કે અન્ય આવશ્યક ખાદ્ય ચીજોનું દાન કરવાનો પણ એક અનોખો મહિમા જોવા મળે છે. આવી રીતે ધાર્મિક સંસ્થાઓ પણ પોતાની શક્તિ મુજબ અન્ય સંસ્થાઓને મદદરૂપ થતી હોય છે. આ સંદર્ભે સાવરકુંડલા શહેર ખાતે આવેલ માનવમંદિરની સેવાકીય પ્રવૃત્તિઓથી ગુજરાતની અનેક સંસ્થાઓ વાકેફ છે. અને એમાં પૂ. વિજયબાપુ તો અવારનવાર આ સંસ્થાના હાલચાલ પૂછતાં પણ જોવા મળે છે. અને લગભગ લગભગ દર વર્ષે સત્તાધારનાં વિજયબાપુ માનવમંદિર પણ એક સેવાધામ હોય એટલે ખીહર નિમિત્તે ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે કશું આપતાં જોવા મળે છે. સાવરકુંડલા માનવ મંદિરને સતાધાર વિજયબાપુ તરફથી ખીહરના ખીચડા પેટે ૨૦ કટા ચોખા ૧૫ મણ ઘઉં અને ૬ બાચકા મગફળી તેમજ રૂ.૧૧૦૦૦ રોકડા અર્પણ કરવામાં આવેલ છે. આ માનવમંદિરમાં હરિનાં બાળકોની સેવા અને માવજત ઘર કરતાં પણ વિશેષ થતી જોવા મળે છે. અહીં વસવાટ કરતાં મનોરોગીઓની નિયમિત રીતે અમરેલીના તબીબ વિવેક જોષી દ્વારા કરવામાં આવે છે અને નિદાન અનુસાર સારવાર દવા કરવામાં આવે છે.
અહીં આ માનવમંદિરનાં પૂ. ભક્તિરામ બાપુ તો આ હરિના બાળકો સાથે બાળક થઈને પિતા તુલ્ય પ્રેમ આપતાં જોવા મળે છે. અનેક મનોરોગીઓ અહીંથી સાજા થઈને પોતાના ઘરે પણ પરત ફરતાં જોવા મળે છે. એ વિદાયની પળો હર્ષ સાથે આ આશ્રમ છોડવાનું દુખ પણ સાજી થતી દિકરીઓમાં જોવા મળે છે. તો કોઈ તો વળી એવું પણ કહેતાં સાંભળ્યા છે કે હવે તો અમારે અહીં રહીને સેવા કરવી છે. આમ આ આશ્રમ રહીને સેવાભાવનાનાં ગુણો પણ સામાન્ય માનવી કરતાં વધુ ખિલતાં જોવા મળે છે. જેનું સંપૂર્ણ શ્રેય પૂ. ભક્તિરામબાપુને જ જાય છે.

