સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમા જેસર રોડ સ્થિત શ્રી સમર્પણ ગૌ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા સંચાલિત (આઈ.સી.યુ. સેન્ટર) એટલે ગાયો માટે એક અકસીર ઇલાજ કેન્દ્ર. અહીં ખાસ કરીને લૂલી લંગડી અપંગ અને અશક્ત ગાયોની સારવાર તેમજ સારસંભાળ ખૂબ ખંત અને નિષ્ઠા સાથે પૂરા સમર્પણ ભાવ સાથે કરવામાં આવે છે. આમ તો આ કાળઝાળ ઉનાળામાં મૂંગા પશુઓ માટે પાણી પુરવઠા મણી રહે તે ઉદ્દેશથી આ સંસ્થા દ્વારા પાણીની અવેડી અને કુંડા નું વિતરણ દાતાશ્રીઓના સહયોગથી જરૂરિયાતમંદ સેવાભાવી લોકોને અર્પણ કરવામાં આવે છે.આ સેવાના મહાયજ્ઞમાં આ સંસ્થાના પાયાના સેવાસાધકો અમિતભાઈ ખીરા, જયસુખભાઈ નાકરાણી, પિયુષભાઈ મશરૂ વગેરે સાથે આ સમર્પણ ટ્રસ્ટની સમગ ટીમ ખૂબ જ નિરપેક્ષ ભાવે સેવા કરતી જોવા મળે છે. જરૂરીયાતવાળા લોકો અવેડી માંગે તો વિનાસંકોચે તેમને આપવામાં આવે છે. પરંતુ શર્ત એટલી જ રાખવામાં આવે છે કે આ અવેડી કોઈ દિવસ પાણી ભર્યા વગરની ન રહેવી જોઈએ. આ માટે સંસ્થાના અમિતભાઈ ખીરા સ્વખર્ચે દરેક સ્થળની ઓચિંતી મુલાકાત પણ લે છે. આ સંસ્થાની વિશેષતા એ છે કે અહીં પશુ ડોક્ટર ચોવીસ કલાક ઉપલબ્ધ છે. ઈમરજન્સીમાં શહેરની ખોડખાંપણ વાળી કે ઈજાગ્રસ્ત બિનવારસી ગાયોનો ઈલાજ ખૂબ પ્રેમ અને ધાર્મિક ભાવ સાથે કરવામાં આવે છે. આ સંસ્થામાં એવી ઘણી અપંગ લાચાર ગાયોની માવજત અને સેવા કરવામાં આવે છે એટલે ખરાં અર્થમાં આ સમર્પણ ગૌ સેવા મંડળ સંપૂર્ણ સમર્પિત છે એમ કહીએ તો ખોટું નથી.


