Gujarat

સુરતમાં ઘરના હોલમાં પત્ની સાથે ગરબા રમતો પતિ અચાનક બેભાન થયા બાદ મોતને ભેટ્યો

સુરત
સુરતના લિંબાયતમાંથી એક અજીબ ઘટના સામે આવી છે હાલ નવરાત્રિ ચાલી રહી છે ત્યારે લિંબાયત વિસ્તારમાં રહેતો એક પરિવાર મોબાઈલ ફોન પર ગીત વગાડી ફ્લેટના હોલમાં ગરબા રમી રહ્યું હતું. દરમિયાન પત્ની સાથે ગરબા રમતો રત્નકલાકાર યુવાન બેભાન થયા બાદ અચાનક મોતને ભેટ્યો હોવાનો બનાવ બનીને સામે આવ્યો છે. લિંબાયત ખાતેના શાંતીનગર પાછળ આવેલી આકાર રેસીડેન્સીમાં હસતા પરિવાર ઉપર આભ તૂટી પડ્યું છે. મૂળ મહારાષ્ટ્ર, માલેગાવનો વતની દિપક માધવ પાટીલ પત્ની વેદીકા ઉર્ફે સાક્ષી સાથે રહેતો હતો અને રત્નકલાકાર તરીકે નોકરી કરી ગુજરાન ચલાવતો હતો. દિપક તેની પત્ની અને મિત્ર ચેતનના પરિવાર સાથે ગરબા રમવા જનાર હતો. પરંતુ ચેતનના ઘરે મહેમાન આવી જતા પરિવારે ગરબા રમવા જવાનું માંડી વાળ્યું હતું. દિપક અને તેની પત્ની વેદીકા ગરબા રમવા જવા માટે તૈયાર થઈ ગયા હોય પરિવારે ફ્લેટના હોલમાં જ મોબાઈલ ફોન પર ગીત વગાડી ગરબા રમવાનું શરૂ કર્યું હતું. જેમાં વેદીકા થાકી જતા બાજુએ બેસી ગઈ હતી. પરંતુ દિપક ગરબા રમતો રહ્યો હતો. દરમિયાન દસેક વાગ્યાના અરસામાં દિપક ચક્કર આવ્યા બાદ બેભાન થઈ ગયો હતો. જેને પગલે વેદીકાએ બુમરાણ કરી મૂકતા અડોશ-પડોશના લોકો દોડી આવ્યા હતા. પત્નીએ તેના મિત્ર ચેતનને જાણ કરી હતી. મિત્ર ચેતન પણ સ્થળ પર પહોંચી ગયો હતો અને દિપકને ખાનગી બાદ વધુ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તબીબોએ તેને તપાસ કરતા મૃત ઘોષિત કર્યો હતો. હસતા રમતા પરિવારમાં ઘરના મોભીનું અચાનક મોત થઈ જતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. દિપક અને વેદિકાના ચારેક વર્ષ પહેલા લગ્ન થયા હતા. દિપકના અકાળે મોતથી પરિવારજનો ઘેરા શોકમાં ડૂબી ગયા છે. સમગ્ર બનાવ અંગે લીંબાયત પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

File-02-Page-12.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *