Gujarat

હર ઘર નલ સે જલ યોજનાએ  બાંડીભીત ગામના લોકોની તરસ છીપાવી

     ગુજરાત રાજ્યએ અનેક ક્ષેત્રોમાં વિકાસની હરણફાળ ભરી છે અને એટલે જ તો ગુજરાત દેશના ગ્રોથ એન્જીન રૂપે આલેખાયું છે. અનેક કલ્યાણકારી યોજનાઓથી રાજ્યના છેવાડાના માનવીના જીવનમાં હર્યુભર્યું નવલું પ્રભાત ઊગ્યું છે. જેથી રાજયના નાગરિકોની જીવનશૈલીમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. દેશના અંતરિયાળ વિસ્તારમાં છેવાડાના જન-જન સુધી તેના ઘરે ઘરે નળથી શૂદ્ધ અને પર્યાપ્ત પાણી આપવાની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મહત્વાકાંક્ષી નલ સે જલ યોજનાએ છોટાઉદેપુર જિલ્લાના બાંડીભીંત ગામના લોકો માટે આશિર્વાદરૂપ સાબિત થઇ છે.
      છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાત સરકારે છેવાડાના માનવીના જીવનમાં કાયાપલટ કરવાની નેમ લીધી છે. રાજ્યના છેવાડે આવેલ સરહદી અને આદીવાસીબહુલ એવા છોટાઉદેપુર જિલ્લામાં પણ અનેકાનેક કલ્યાણકારી યોજનાઓની જેમ ‘જલ જીવન મિશન’ના ”નલ સે જલ” કાર્યક્રમ થકી લોકોના જીવનમાં આમૂલ પરિવર્તન આણ્યું છે.
       જિલ્લાના અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારમાં મંડલવા જુથ ગ્રામ પંચાયતના છૂટી-છવાઈ વસ્તી ધરાવતા બાંડીભીત ગામમાં ૨૧૦ ઘરો આવેલા છે. જ્યાં સરેરાશ ૧૫૦૦ જેટલી વસ્તી છે . આ બાંડીભીત ગામમાં દરેક ઘરે એક એમ કુલ ૨૧૦ નળ કનેક્શન ઘરે ઘરે આપવામાં આવ્યા છે. જ્યાં DDSA (દાહોદ ડિસ્ટ્રિક્ટ સાઉથ એરીયા) યોજના પૈકી નર્મદા મૈયાનું પાણી ગામમાં સંપ બનાવી ત્યાં લાવી અને ત્યાંથી ઘરે ઘરે વિતરણ કરવામાં આવે છે. આ ગામ અતિઅંતરિયાળ અને ડુંગરાળ પ્રદેશમાં આવેલ હોય અહીં કોઈ ભૂગર્ભ જળના સ્ત્રોત ન હોવાથી બાહ્ય સ્રોત થકી લોકોને ઘર આંગણે પાણી પહોંચાડવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. ગામના જગદીશભાઈ રાઠવા જણાવે છે કે, “વર્ષોથી અમારે ગામમાં પાણીની ભારે સમસ્યા હતી. આ ‘જલ જીવન મિશન’ ના “નલ સે જલ” કાર્યક્રમ થકી અમારા ઘરે ઘરે નળ લગાવી ઘર આંગણા સુધી સરકારશ્રીએ પાણી પહોંચાડી અમારા જીવનને બહુ સરળ બનાવ્યું છે. પહેલા પાણીની બહુ જ સમસ્યા હતી ઘરે પાણી પીવા કે વાપરવા માટે કે ઢોર-ઢાંખરને સાચવવા માટે બહુ જ સમસ્યા રહેતી હતી પરંતુ આ યોજનાથી ઘરે પાણીના નળ લાગી ગયા છે તેનાથી બહુ મોટી રાહત થઈ ગઈ છે.”
        ગામમાં આ યોજના પહેલા પાણી વગર ગામલોકોની હાલત બહુ જ કફોડી હતી. ગામની મહિલોઓને પાણી ભરવા એક કિમી જેટલું દૂર સુધી ચાલીને ધોમધખતા તાપમાં એક બેડા પાણી માટે રઝળપાટ કરવો પડતો હતો. ઢોર-ઢાંખરને પાણી માટે બીજા ગામ લઇ જવા પડતા હતા. એટલું જ નહીં ગામની સ્ત્રીઓ પોતાના બાળકોને સમય આપી શકતી ન હતી અને બાળકોના ભણતર પર પણ તેની અસર સ્પષ્ટ રૂપે વર્તાતી હતી પરંતુ હવે ઘર આંગણે જ પાણી આવી જતા મહિલાઓની જીવનમાં જાણે કે એક નવું પ્રભાત થયું છે. નલ સે જલ યોજનાએ અમારી  જીવનશૈલી જ બદલી નાંખી છે. એમ જગદીશભાઇ રાઠવાએ જણાવ્યું હતું.
છોટાઉદેપુર જીલ્લામાં કુલ ૨,૨૩,૩૭૩ ઘરો આવેલા છે જે પૈકી નલ સે જલ યોજના હેઠળ ૧,૯૨,૮૪૬ ઘરોને નળ જોડાણ આપવામાં આવ્યા છે. જયારે ૩૦,૫૨૭ ઘરોને નળ જોડાણ આપવાની કામગીરી પ્રગતિ હેઠળ છે. બાકી રહેલા ઘરોને નળ કનેકશન આપવાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવશે.
  આમ, સરકારની પ્રજાકલ્યાણલક્ષી યોજનાઓ થકી રાજયના ખૂણે ખૂણે વસતા લોકોના જીવનમાં આવેલા આમૂલ પરિવર્તને જ ગુજરાતને દેશમાં નંબર વનનું સ્થાન અપાવ્યું છે.
અહેવાલ: ફારૂકઅહેમદ મેમન
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

30-05-2022_-nal-se-jal-2.JPG

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *