મુંબઈ
હાર્દિક પંડ્યાએ આઈપીએલમાં ૪ અડધી સદીની મદદથી ૪૮૭ રન બનાવ્યા હતા. જાેકે વર્તમાન ટીમ ઇન્ડિયાની વાત કરવામાં આવે તો ટોપ-૪માં કેએલ રાહુલ, ઇશાન કિશન, શ્રેયસ ઐયર અને રિષભ પંત છે. આવામાં હાર્દિકનું સ્થાન ટોપ-૪માં બનતું નથી. રોહિત શર્મા આ શ્રેણીમાં રમી રહ્યો નથી. જાેકે તે પહેલા જ સ્પષ્ટ કરી ચૂક્યો છે કે હાર્દિક ફિનિશિર તરીકે જ રમશે. દિનેશ કાર્તિકે આઈપીએલ-૨૦૨૨માં નીચેના ક્રમે આક્રમક બેટિંગ કરી હતી. આવામાં ટીમ ફિનિશર તરીકે તેને તૈયાર કરી શકે છે. કોચ રાહુલ દ્રવિડ અને કેએલ રાહુલ હાર્દિક પંડ્યાને નંબર-૪ ઉપર તક આપી શકે છે. આવામાં રિષભ પંત નંબર ૫ અને દિનેશ કાર્તિક નંબર ૬ ઉપર રમી શકે છે. જાે હાર્દિકે શ્રેણીમાં નંબર-૪ ઉપર સારું પ્રદર્શન કર્યું તો તે ભવિષ્યમાં મિડલ ઓર્ડરમાં રમતો જાેવા મળી શકે છે. આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયામાં ટી-૨૦ વર્લ્ડ કપ થવાનો છે. આવામાં કોચ રાહુલ દ્રવિડ દરેક નંબર માટે વિકલ્પ તૈયાર કરવા માંગશે. વર્લ્ડ કપ પહેલા ટીમને ઓછામાં ઓછી ૨૫ ટી-૨૦ મેચ રમવાની છે. દિનેશ કાર્તિકે આઈપીએલની ૧૬ ઇનિંગ્સમાં ૫૫ની એવરેજથી ૩૩૦ રન બનાવ્યા હતા. આ દરમિયાન તેનો સ્ટ્રાઇક રેટ ૧૮૩નો રહ્યો હતો. જે ટી-૨૦માં શાનદાર છે. આ દરમિયાન તેણે ૨૭ ફોર અને ૨૨ સિક્સર ફટકારી હતી. જ્યારે રિષભ પંતે ૧૩ ઇનિંગ્સમાં ૩૧ની એવરેજથી ૩૪૦ રન બનાવ્યા હતા. તેનો સ્ટ્રાઇક રેટ ૧૫૨નો રહ્યો હતો. આવામાં બન્ને બેટ્સમેન અંતમાં આક્રમક બેટિંગ કરી શકે છે.હાર્દિક પંડ્યાએ આઈપીએલ-૨૦૨૨માં બેટિંગથી કમાલનું પ્રદર્શન કર્યું હતું. તેણે ગુજરાત ટાઇટન્સ તરફથી સૌથી વધારે રન બનાવ્યા હતા. જાેકે તેણે પોતાની રમતમાં ફેરફાર કર્યો છે. પહેલા તે નીચેના ક્રમે ઉતરતો હતો અને ફિનિશર તરીકે ઝડપથી રન બનાવતો હતો. જાેકે ટી-૨૦ લીગની ૧૫મી સિઝનમાં તે ગુજરાત ટાઇટન્સ તરફથી નંબર-૪ અને નંબર-૫ પર રમતો જાેવા મળ્યો હતો. તેણે શરૂઆતમાં બાજી સંભાળી અને પછી ખુલીને રમતો હતો. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ૫ મેચોની ટી-૨૦ શ્રેણી ૯ જૂનથી શરુ થઇ રહી છે. આવામાં સૌથી મોટો સવાલ એ છે કે હાર્દિક પંડ્યાના બેટિંગ ક્રમમાં ફેરફાર થશે.
