મુંબઈ
બોલિવૂડના દરેક નાના-મોટા સ્ટાર કરણ જાેહરની ફિલ્મમાં કામ કરવા તલપાપડ રહેતા હતા. જાે કે ઓડિયન્સના બદલાયેલા મિજાજને જાેઈને સ્ટાર્સના મૂડ પણ બદલાઈ રહ્યા છે. આગામી સપ્તાહે કરણ જાેહરની રૂ.૪૦૦ કરોડની ફિલ્મ બ્રહ્માસ્ત્ર રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મની રિલીઝ પહેલાં જ તેની સીક્વલ બનાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સીક્વલમાં રિતિક રોશનને લેવાની મેકર્સની ઈચ્છા હતી, પરંતુ રિતિકે તેમાં કામ કરવાની ના પાડી છે. રિતિક રોશનની ફિલ્મ વિક્રમ-વેધા આ મહિને રીલિઝ થઈ રહી છે ત્યારે હવે રિતિકે અપકમિંગ પ્રોજેક્ટ્સ પર ફોકસ કર્યું છે. જેમાં ક્રિશ ૪ અને રામાયણ આધારિત માઈથોલોજિકલ ફિલ્મનો સમાવેશ થાય છે. આ બંને ફિલ્મોમાં ભરપૂર વીએફએક્સનો ઉપયોગ થવાનો છે. વળી, બ્રહ્માસ્ત્રમાં પણ વીએફએક્સની કમાલ જ વધારે છે. બ્રહ્માસ્ત્રના ત્રણ પાર્ટ બનાવવાની કરણ જાેહરના પ્રોડક્શનની ઈચ્છા છે. જેથી પહેલો પાર્ટ રિલીઝ થતાં પહેલાં જ સીક્વલ માટે સ્ટાર કાસ્ટ ફાઈનલ થઈ રહી છે. પહેલા પાર્ટમાં રણબીર-આલિયાની સાથે અમિતાભ બચ્ચન, મૌની રોય અને નાગાર્જુન છે. જ્યારે શાહરૂખ, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહનો કેમિયો છે.

