મુંબઈ
ક્રિકેટના દિગ્ગજ સચિન તેંડુલકરની મૉર્ફ્ડ ફોટોનો ઉપયોગ ગોવામાં ‘બિગ ડેડી’ નામના કેસીનોને પ્રમોટ કરવા માટે કરવામાં આવ્યો હતો. હવે આ પૂર્વ દિગ્ગજ ખેલાડીએ પુષ્ટિ કરી છે કે તેના ફોટોનો ખોટી રીતે દુરઉપયોગ કરવામાં આવ્યો છે અને તેની સામે કાનુની કાર્યવાહી કરવામાં આવશે. સચિન તેંડુલકરે ૧૬ વર્ષની ઉમરમાં ક્રિકેટની દુનિયામાં પદાપર્ણ કર્યું હતું અને લગભગ ૨૪ વર્ષ સુધી ક્રિકેટ રમ્યો હતો. સચિન તેંડુલકરે કેસિનો વિરૂદ્ધ કાર્યવાહી કરવા માટે પોતાની કાનુની ટીમને કહી દીધું છે. સચિને પોતાના ચાહકો માટે એક સંદેશો પોતાના તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પોસ્ટ કર્યો હતો. તેમાં તેણે કહ્યું હતું કે સોશિયલ મીડિયામાં ઘણી જાહેરખબરમાં બદલાયેલી ફોટો સાથે હું એક કેસીનોનું સમર્થન કરતો હોવ તેવું બતાવવામાં આવી રહ્યું છે. હું વ્યક્તિગત રીતે કોઇ પણ પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે જુગાર, તંબાકુ કે શરાબનો પ્રચાર નથી કરતો. એ જાેઇને દુખ થાય છે કે મારા ફોટાનો ઉપયોગ લોકોને ગેરમાર્ગે દોરવા માટે કરવામાં આવી રહ્યો છે. સચિન તેંડુલકરે ૨૦૦થી વધુ ટેસ્ટ રમી છે. સચિને ટેસ્ટમાં ૫૧ સદી અને ૧૫,૯૨૧ થી વધુ રન કર્યા છે. તેણે પોતાની કારકિર્દી દરમ્યાન ટેસ્ટમાં ૧૮,૪૨૬ રન બનાવ્યા છે. તમામ ફોર્મેટમાં મળીને સચિનના નામે ૧૦૦ આંતરરાષ્ટ્રીય સદી ફટકારી છે.


