ન્યુઝીલેન્ડ
લોર્ડ્સના મેદાનમાં ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચના બીજા દિવસે ન્યૂઝીલેન્ડનો બીજા દાવમાં પ્રારંભે ધબડકો થયો હતો. પ્રવાસી ન્યૂઝીલેન્ડની ટીમે બીજા દાવમાં ૫૬ રનનાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. ટી સેશન સુધીમાં ન્યૂઝીલેન્ડનો સ્કોર ૧૨૮ રનમાં ચાર વિકેટ રહ્યો હતો. ડેરિલ મિચેલ અને ટોમ બ્લન્ડેલ કિવી ટીમની વ્હારે આવતા મક્કમ લડત આપી હતી. ટી પછી પણ બન્ને બેટ્સમેન રમતમાં હતા અને તેમની વચ્ચે પાંચમી વિકેટ માટે ૧૬૦ રનથી વધુની ભાગીદારી નોંધાઈ હતી. પ્રથમ દાવમાં ન્યૂઝીલેન્ડ ૧૩૨ રનમાં ખખડ્યું હતું. ત્યારબાદ ઈંગ્લેન્ડ પણ પ્રથમ દાવમાં ૧૪૧ રનમાં સમેટાઈ ગયું હતું. કિવી ટીમના વિકેટકીપર બ્લન્ડેલ અને મિચેલની શાનદાર ભાગીદારીની મદદથી ટી સેશન બાદ ૨૧૦ રનની લીડ પ્રાપ્ત કરી લીધી હતી. ઈંગ્લેન્ડ તરફથી ટેસ્ટ મેચમાં ડેબ્યૂ કરનાર મેટ પોટ્ટ્સ ન્યૂઝીલેન્ડના બેટ્સમેનોને પરેશાન કર્યા હતા અને બીજા દાવમાં કિવી કેપ્ટન કેન વિલિયમસન સહિત બે વિકેટ પોટ્ટ્સે ઝડપી હતી. એન્ડરસન તથા બ્રોડે એક-એક સફળતા મેળવી હતી. ઈંગ્લેન્ડે બીજા દિવસની રમત સાત વિકેટે ૧૧૬ રનથી આગળ ધપાવી હતી. જાે કે યજમાન ટીમે ફક્ત ૨૫ રન ઉમેર્યા હતા. ટીમ સાઉથીએ ૫૫ રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. લોર્ડ્સ ટેસ્ટમાં પ્રથમ દિવસે બન્ને ટીમોની મળીને ૧૭ વિકેટ પડી હતી.


