ચીન
ચીનની કેટલીક મેડિકલ યુનિવર્સિટી ચાલુ અને આગામી શૈક્ષણિક વર્ષ માટે એમબીબીએસમાં પ્રવેશ માટે અરજીઓ લઇ રહી છે. ચીનમાં વિદેશી વિદ્યાર્થીઓના પ્રવાસ પર પ્રતિબંધ હોવા છતાં આ અરજીઓ લેવામાં આવી રહી છે. વિદેશ મંત્રાલય દ્વારા જાણ કરવામાં આવ્યા બાદ નેશનલ મેડિકલ કમિશનએ આ નોટિસ જારી કરી છે. નેશનલ મેડિકલ કમિશનએ કહ્યું કે જાે વિદ્યાર્થીઓ ચીનની યુનિવર્સિટીઓમાં એમબીબીએસમાં પ્રવેશ મેળવે છે તો તેમણે આગામી સમયમાં પણ ઓનલાઈન વર્ગો કરવા પડશે. અને ભારતના કાયદા મુજબ ઓનલાઈન મેડિકલ ડિગ્રી માન્ય નથી. નેશનલ મેડિકલ કમિશનએ નોટિસમાં જણાવ્યું છે કે ચીનમાં અભ્યાસ કરી રહેલા હજારો ભારતીય મેડિકલ વિદ્યાર્થીઓ બે વર્ષથી વધુ સમયથી મુસાફરી પ્રતિબંધને કારણે ભારતમાં છે. જેના કારણે તેની કારકિર્દી જાેખમમાં મુકાઈ ગઈ છે. ચાઈનીઝ યુનિવર્સિટીઓ દ્વારા એમબીબીએસ એડમિશન માટે નોટિસ ઈશ્યૂ કરવા અંગે નેશનલ મેડિકલ કમિશનએ કહ્યું, ‘કોઈપણ સંભવિત વિદ્યાર્થીએ જાણવાની જરૂર છે કે ચીનની સરકારે કોવિડ-૧૯ને ધ્યાનમાં રાખીને મુસાફરી પર કડક પ્રતિબંધો લાદ્યા છે અને નવેમ્બર ૨૦૨૦થી તમામ વિઝા સસ્પેન્ડ કર્યા છે.’ નોટિસમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, ‘પ્રતિબંધને કારણે ભારતીય વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ ચીન પરત ફરી શક્યા નથી. હજુ સુધી ટ્રાવેલ પ્રતિબંધમાં કોઈ છૂટ આપવામાં આવી નથી. ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું કે તે વિદેશમાં ફસાયેલા હજારો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને સંકલિત રીતે પરત લાવવા પર વિચાર કરી રહ્યું છે. જાે કે, મંત્રાલયે એ જણાવ્યું નથી કે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે મુસાફરી પ્રતિબંધ ક્યારે હટાવવામાં આવશે. ચીને ભારતીય વિદ્યાર્થીઓના ચીન પરત ફરવા પર કોઈ ચોક્કસ જવાબ આપ્યો નથી. બેઇજિંગમાં ભારતીય દૂતાવાસ સતત ભારતીય વિદ્યાર્થીઓનો મુદ્દો ચીનના વિદેશ અને શિક્ષણ મંત્રાલય સમક્ષ ઉઠાવી રહ્યું છે, પરંતુ ચીન દર વખતે વિદ્યાર્થીઓને પરત બોલાવવાની માંગને ફગાવી રહ્યું છે.ભારતના ટોચના મેડિકલ એજ્યુકેશન રેગ્યુલેટર નેશનલ મેડિકલ કમિશનએ ભારતીય વિદ્યાર્થીઓને ચીનની યુનિવર્સિટીઓમાં પ્રવેશ લેવા સામે ચેતવણી આપી છે. નેશનલ મેડિકલ કમિશનએ એક નોટિસ જારી કરીને વિદ્યાર્થીઓને ચીનની યુનિવર્સિટીઓમાં પ્રવેશ ન લેવા સામે ચેતવણી આપી છે. કોવિડને ધ્યાનમાં રાખીને ચીને વિદેશી વિદ્યાર્થીઓના પ્રવેશ પર પ્રતિબંધ ચાલુ રાખ્યો છે. ચીન પાકિસ્તાન સહિત કેટલાક દેશોના વિદ્યાર્થીઓને પરત લાવવાની યોજના પર કામ કરી રહ્યું છે, પરંતુ ચીને ભારતીય વિદ્યાર્થીઓને લઈને સ્થિતિ સ્પષ્ટ કરી નથી.
