ઓસ્ટ્રેલીયા
ઓસ્ટ્રેલિયામાં યોજાનાર ટી૨૦ વર્લ્ડ કપ માટે ભારતીય ક્રિકેટ ટીમમાં મહત્વનો બદલાવ કરવામાં આવ્યો છે. ભારતીય ટીમના આધારભૂત ઝડપી બોલર જસપ્રીત બુમરાહ ઈજાગ્રસ્ત હોવાથી તેના સ્થાને અનુભવી પેસર મોહમ્મદ શમીને સ્થાન આપવામાં આવ્યું છે. અગાઉ મોહમ્મદ શમીનો અનામત ખેલાડી તરીકે ટીમ ઈન્ડિયામાં સમાવેશ કરાયો હતો. ઓસ્ટ્રેલિયામાં ૧૬ ઓક્ટોબરથી ટી૨૦ વર્લ્ડ કપનો પ્રારંભ થશે. ભારતીય ટીમ તેની પ્રથમ મેચ ૨૩ ઓક્ટોબરે પારંપરિક હરીફ પાકિસ્તાન સામે રમશે. ટી૨૦ વર્લ્ડ કપ પૂર્વે ભારતના પ્રથમ હરોળના ઝડપી બોલર જસપ્રીત બુમરાહને પીઠમાં ગંભીર ઈજા થઈ હતી. વર્લ્ડ કપ સ્ક્વોડમાં બદલાવ કરવા માટેની અંતિમ તારીખ ૧૫ ઓક્ટોબર હતી અને એટલા માટે જ ભારતીય ક્રિકેટ ટીમમાં બુમરાહના વિકલ્પ તરીકે મોહમ્મદ શમીના નામની જાહેરાત કરવામાં આવી છે. બુમરાહે ચાલુ વર્ષે ઈંગ્લેન્ડ પ્રવાસથી ટીમ ઈન્ડિયામાં કમબેક કર્યું હતું. ત્યારબાદ તે ઈજાગ્રસ્ત થતા તેણે યુએઈમાં યોજાયેલા એશિયા કપમાં ભાગ લીધો નહતો. ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે ટી૨૦ સીરિઝમાં તે બે મેચ રમ્યો હતો અને તેને પગલે બુમરાહ ટી૨૦ વર્લ્ડ કપ માટે ફિટ હોવાનું જણાતું હતું પરંતુ તેને પીઠની ઈજા થતાં તે ઘરઆંગણે દક્ષિણ આફ્રિકા સામેની ટી૨૦ શ્રેણીમાંથી ખસી ગયો હતો. બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે જણાવ્યું હતું કે, મુખ્ય ટીમમાં બુમરાહના વિકલ્પ તરીકે મોહમ્મદ શમીનો સમાવેશ કરાયો છે. મોહમ્મદ સિરાજ અને શાર્દુલ ઠાકુર બેકઅપ પ્લેયર તરીકે રહેશે અને તેઓ ટૂંક સમયમાં ઓસ્ટ્રેલિયા પહોંચશે.


