રશિયા
રશિયાએ મોટી સંખ્યામાં પોતાના સૈન્યને જમા કરીને રાખ્યું છે અને આને યુદ્ધાભ્યાસ કહીને ટાળી રહ્યું છે પણ આટલું વિશાળ સૈન્ય છે કે તે ગમે ત્યારે મોટા પાયે લશ્કરી કાર્યવાહી કરી શકે એમ છે. એક ઇન્ટેલિજન્સ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે રશિયાએ એટલી મોટી સંખ્યામાં સૈનિકો એકત્ર કર્યા છે કે તે કિવથી શરૂ કરીને યુક્રેન પર ઑલરાઉન્ડ એટેક શરૂ કરી શકે છે. પુતિન કોઈ પણ ચેતવણી આપ્યા વિના યુક્રેન પર આક્રમણ કરવાનો આદેશ આપશે. પરંતુ બ્રિટન અને અમેરિકાનું કહેવું છે કે હજુ પણ શાંતિની આશા અકબંધ છે અને કૂટનીતિનો માર્ગ હજુ પણ ખુલ્લો છે. પરંતુ તે દરમિયાન, એક પશ્ચિમી ગુપ્તચર અહેવાલે શ્રેણીબદ્ધ હુમલાઓની આગાહી કરી છે જેને કારણે ચિંતા વધી ગઈ છે. આનો અર્થ એ છે કે રશિયા સતત હુમલો કરીને સૌથી પહેલા કિવ પર કબજાે કરશે. અન્ય મોટા શહેરોને રશિયન સૈનિકો અને ટેન્કથી ઘેરી લેવામાં આવશે અને આકાશમાં ફાઇટર પ્લેન અને હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવશે. અહેવાલો દાવો કરી રહ્યા છે કે જમીન પર લગભગ ૬૦ ટકા રશિયન દળો હુમલાના વિસ્તારમાં આવી ગયા છે. રશિયા સાથે શાંતિ મંત્રણાના તમામ પ્રયાસો અત્યાર સુધી નિષ્ફળ ગયા છે. અહેવાલ મુજબ, રશિયન દળો યુક્રેનની ઉત્તર, દક્ષિણ અને પૂર્વ સરહદો પર હાજર છે. અધિકારીઓએ ચેતવણી આપી છે કે હુમલો કોઈપણ સમયે થઈ શકે છે. રશિયાએ પણ તેની સેના બેલારુસ મોકલી દીધી છે, જેને તે સંયુક્ત યુદ્ધાભ્યાસ ગણાવી રહ્યું છે. આ યુદ્ધાભ્યાસ ૧૦ ફેબ્રુઆરીએ શરૂ કર્યો હતો અને ૧૦ દિવસ સુધી ચાલવાની ધારણા છે. પશ્ચિમી નિષ્ણાતો માને છે કે આ માત્ર એક આવરણ છે. રશિયા આ યુદ્ધાભ્યાસની આડમાં હુમલો કરી શકે છે. વાસ્તવમાં, રશિયાએ ઉત્તર સરહદથી હુમલો કરવા માટે તેની સેના બેલારુસ મોકલી છે. હાલના અનુમાન મુજબ લગભગ ૧૩૦,૦૦૦ રશિયન સૈનિકોએ યુક્રેનની સરહદોને ઘેરી લીધી છે. રશિયન ફાઈટર જેટ યુક્રેનની સરહદ પાસે સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે. ઉપરાંત, રશિયાએ તેની જી-૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમ બેલારુસ-યુક્રેન સરહદ પર તૈનાત કરી છે. રિપોર્ટ અનુસાર માનવામાં આવી રહ્યું છે કે આવનારા દિવસોમાં રશિયા બ્લેક સી અને એઝોવ સીમાં નેવલ એક્સરસાઇઝ પણ શરૂ કરી શકે છે. પશ્ચિમી નિષ્ણાતો આ કવાયતોને યુદ્ધની તૈયારીના ભાગરૂપે ગણાવી રહ્યા છે.
