ઇસ્લામાબાદ
પાકિસ્તાનના વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાને ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ રમવાને લઈને નિવેદન કરતા એક નવો વિવાદ સર્જાયો છે. રિઝવાન તાજેતરમાં જ ઈંગ્લેન્ડમાં ભારતના બેટ્સમેન ચેતેશ્વર પુજારા સાથે સસેક્સ તરફથી કાઉન્ટી ક્રિકેટ રમ્યો હતો. રિઝવાને જણાવ્યું કે, બન્ને દેશોના ક્રિકેટર નિયમિત રીતે ક્રિકેટ રમવા માટે રસ ધરાવે છે તેવી છાપ તે ધરાવે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય શ્રેણી અથવા અન્ય મેચ રમાય તેવું તમામ લોકો ઈચ્છે છે પરંતુ રાજ્ય સ્તરની બાબતો ખેલાડીઓના હાથમાં નથી. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટમાં રિઝવાને પુજારા સાથે કેટલીક ઉપયોગી ભાગીદારી કરી હતી. રિઝવાને જણાવ્યું કે કાઉન્ટી ક્રિકેટ દરમિયાન તેણે પુજારા સાથે આ બાબતે ચર્ચા કરી હતી. જેમાં તેણે પાકિસ્તાન સામે દ્વિપક્ષીય શ્રેણી રમવા અંગે ભારતીય ક્રિકેટર્સના દ્રષ્ટિકોણ અંગે પણ વાતચીત કરી હોવાનું રિઝવાને જણાવ્યું હતું. રિઝવાને જણાવ્યું કે, તે એવી છાપ ધરાવે છે કે, બન્ને દેશોના ખેલાડીઓ નિયમિત રીતે ક્રિકેટ રમવા ઈચ્છે છે પરંતુ બધું આપણા હાથમાં નથી. રિઝવાનના મતે તે પુજારાના વ્યવસાયિક અભિગમ તથા મેચ માટેની તૈયારીથી પ્રભાવિત થયો અને તેણે ભારતીય બેટ્સમેન પાસેથી ઘણું શીખ્યું પણ છે. પુજારા જ્યારે બેટિંગ કરે છે ત્યારે કેવી રીતે એકાગ્રતા અને ધ્યાન કેન્દ્રીત કરે છે તે બાબત હું ભારતના સીનિયર ખેલાડી પાસેથી શીખ્યો તેમ રિઝવાને જણાવ્યું હતું. પાકિસ્તાનના ઉપ કપ્તાનના મતે પુજારા અને તે બન્ને જુદા દેશના ક્રિકેટર છે પરંતુ તેઓ બહોળા ક્રિકેટ પરિવારનો હિસ્સો છે. ભારત અને પાકિસ્તાન બન્ને ફક્ત આઈસીસીની ઈવેન્ટમાં આમને-સામને રમે છે. છેલ્લે બન્ને દેશની ટીમો ૨૦૧૨માં મર્યાદિત ઓવરની મેચ રમી હતી જ્યારે ૨૦૦૭માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટેસ્ટ મેચ યોજાઈ હતી. ચાલુ વર્ષે ઓગસ્ટમાં શ્રીલંકામાં રમાનાર એશિયા કપ ટી૨૦માં ટકરાય તેવી સંભાવના છે.


