જૂનાગઢ જિલ્લામાં ખેડૂતો તો પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. સાથે જ હવે જૂનાગઢના નાગરિકો પણ પ્રાકૃતિક આહાર તરફ વળી રહ્યા છે. તેની પ્રતીતિ કરાવે છે જિલ્લા પંચાયતના સહયોગથી આત્મા પ્રોજેક્ટ હેઠળ સંચાલિત પ્રાકૃતિક કૃષિ હાટ. અહીંયા દર રવિવારે જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ પ્રાકૃતિક ઢબે પકવેલા શાકભાજી, અનાજ, કઠોળ સહિતની ખાદ્ય સામગ્રીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ બજારમાં કોઈ વચેટીયા વગર સીધું જ ખેડૂતો દ્વારા વેચાણ થતું હોવાથી ગ્રાહકોને પણ ફાયદો થઈ રહ્યો છે.
આ પાકૃતિક કૃષિ હાટ શહેરના સરદારબાગ ખાતે પીજીવીસીએલની ઓફિસની બાજુમાં આવેલ છે. ૧૫ ઓગસ્ટ-૨૦૨૧માં શરૂ થયેલા આ હાટમાં અત્યાર સુધીમાં અંદાજે ૪૦ લાખની પ્રાકૃતિક કૃષિ પેદાશોનું વેચાણ કરવામાં આવ્યું છે.
આ સંદર્ભે આત્માના ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી એચ.એન. લાખાણી કહે છે કે, જૂનાગઢ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળે તે માટે વિવિધ સ્તરેથી પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં છે. સાથે જ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને તેમની ખેત પેદાશોનું વેચાણ માટે એક માર્કેટ મળી રહે તે પણ એટલું જ જરૂરી છે. આ પ્રાકૃતિક ખેતિ કરતાં ખેડૂતો માટે છેલ્લાં દોઢેક વર્ષથી સફળતાપૂર્વક પ્રાકૃતિક કૃષિ હાટ ચાલી રહ્યું છે. તેમજ ગત બે-ત્રણ મહિનામાં પ્રાકૃતિક હાટ બજારમાંથી શાકભાજી, અનાજ વગેરે ખરીદનારાઓની સંખ્યામાં પણ વધારો થયો છે. જે દર્શાવે છે કે, લોકો ધીમે ધીમે પ્રાકૃતિક એટલે કે, ઝેરમુક્ત આહાર તરફ વળી રહ્યા છે.
તેઓ કહે છે કે, દર રવિવારે ૧૫ કરતા વધુ ખેડૂતો આ પ્રાકૃતિક કૃષિ હાટમાં વેચાણ કરવા આવી રહ્યા છે. આ પ્રાકૃતિક કૃષિ હાટ બજાર વધુ મોટા પાયા પર વિસ્તાર પામે એટલે કે, ગ્રાહકોને જરૂરી બધી જ ખાદ્ય સામગ્રી અહીંયાથી જ મળી રહે તે દિશામાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વધુમાં શ્રી લાખાણી જણાવે છે કે, પ્રાકૃતિક કૃષિ હાટમાં લોકોને ખાત્રીબંધ પ્રાકૃતિક કૃષિ પેદાશો મળે છે. આ માટે પ્રાકૃતિક કૃષિ હાટમાં પ્રાકૃતિક ખેતિ કરતાં ખેડૂતો જ વેંચાણ કરવા માટે તે માટે સતત દેખરેખ રાખવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રાકૃતિક ખેતિ અપનાવવા માટે આહવાન કર્યું છે. આ માટે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત ગુજરાત સહિત દેશભરમાં પ્રવાસ કરી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ પ્રાકૃતિક ખેતિનો વ્યાપ વધે તે માટે એક બોર્ડની રચના કરવાની સાથે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. જેના સકારાત્મક પરિણામો પણ સામે આવી રહ્યા છે.


