કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો
જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં ૧૯ જેટલા અરજદારોના પ્રશ્નોનો સકારાત્મક ઉકેલ
૦૦૦
દાહોદ, તા. ૨૭ : દાહોદ જિલ્લામાં સ્વાગત સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા, નિવાસી અધિક કલેક્ટર શ્રી એ.બી. પાંડોર સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા. જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં આજે ૧૯ જેટલા અરજદારોના પ્રશ્નોનો સકારાત્મક ઉકેલ લાવવામાં આવ્યો હતો.
જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં સનદ કાયદેસરની કરવા, રેવન્યુ રેકર્ડ નામો દાખલ કરવા, જમીનનો મૂળ રેકર્ડ નકશો કરવા બાબત, માપણી શીટની નકલ માટે, રી સર્વે રેકર્ડમાં પ્રમોલગેશન બાદ ભુલ સુધારવા બાબત, જમીનના નકશા સુધારવા બાબત, પાકા રસ્તા બાબત, નવો રસ્તો મંજૂર કરવા બાબત જેવા પ્રશ્નોની રજૂઆત અરજદારોએ કલેક્ટરશ્રી સમક્ષ કરી હતી.
કલેક્ટરશ્રીએ આ પ્રશ્ન સંબધે ઉપસ્થિત અધિકારીશ્રીઓને જરૂરી સુચના આપી હતી અને અરજદારોના પ્રશ્નોનો સકારાત્મક ઉકેલ આપ્યો હતો. ઘણાં અરજદારોના પ્રશ્ન લાંબા સમયથી પેન્ડિંગ હોય તેનો પણ આજે સકારાત્મક નિકાલ આવતા તેઓ ખુશ થઇ ગયા હતા અને સ્વાગત કાર્યક્રમના આયોજન બદલ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
દૂર છેવાડાના ગામડામાં રહેતો અદનો નાગરિક પોતાની સમસ્યા કોને, ક્યાં કહે તો તેના પ્રશ્નનું નિરાકરણ આવશે એવી મુઝવણ હંમેશા અનુભવતો હોય છે. ન્યાય માટે ઝંખના કરતા નાગરિકના પ્રશ્નોનું નિરાકરણ લાવવા ગુજરાતના તત્કાલિન દીર્ઘદ્રષ્ટા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૩ માં નાગરિકોના પ્રશ્નોના સીધા ઉકેલ માટે SWAGAT ( State Wide Attention on Grievances by Application of Technology) કાર્યક્રમની શરૂઆત કરી હતી. સ્વાગત કાર્યક્રમ છેલ્લા બે દાયકાથી અવિરત નાગરિકોની સમસ્યાના ઉકેલનું સરનામુ બન્યો છે ત્યારે જિલ્લામાં સ્વાગત કાર્યક્રમની ઉજવણી અંતર્ગત મોટી સંખ્યામાં અરજદારોના પ્રશ્નોનો સકારાત્મક ઉકેલ લાવવામાં આવ્યો હતો.
૦૦૦રિપોર્ટર :- જેની શેખ




