જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં છૂટા છવાયા સ્થળોએ કમોસમી વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જેથી કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ પાક રક્ષણ માટે ખેડૂતોને ઉચિત પગલાં લેવા માટે અનુરોધ કર્યો છે.
જૂનાગઢ જિલ્લા સહિતના વિસ્તારોમાં આજથી તા.૨૯-૪-૨૦૨૩ સુધીમાં હળવાથી ભારે વરસાદ થવાની શક્યાતા છે. તેના અનુસંધાને કમોસમી વરસાદથી થતા પાક નુકસાનીથી બચવા માટે ખેડૂતોના ખેત ઉત્પાદિત ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી અથવા પ્લાસ્ટિક તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલા નીચે જતું અટકાવવું.
ખાતર અને બિયારણના વિક્રતાઓએ જથ્થો પલળે નહીં તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા. એપીએમસીમાં વેપારી અને ખેડૂતોએ કાળજી રાખી આગોતરા સાવચેતીના પગલાં લેવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે.
એપીએમસીમાં અનાજ અને ખેત પેદાશો સુરક્ષિત રાખવા. ઉપરાંત કમોસમી વરસાદના આગાહીના દિવસો દરમિયાન એપીએમસીમાં વેચાણ અર્થે આવતી પેદાશો લાવવાનુ ટાળવું જોઈએ અથવા અથવા સુરક્ષિત સ્થળે રાખવી હિતાવહ છે. જિલ્લા ખેતિવાહી અધિકારીશ્રીએ પણ આ મતલબનો ખેડૂતોને અનુરોધ કર્યો છે.
આ સંદર્ભે વધુ જાણકારી માટે સંબંધિત વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક (તા.મુ.), જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક (તાલીમ) અથવા કિસાન કોલ સેન્ટરના ટોલ ફ્રી નંબર ૧૮૦૦૧૮૦૧૫૫૧ પર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.
