કેશોદ સબ ડિવીઝન વિસ્તાર હેઠળના તમામ મેડીકલ સ્ટોર્સમાં ફરજિયાત સીસીટીવી કેમેરા લગાવવા પડશે. સાથે જ તેનું ૧ વર્ષ સુધીનું રેકોર્ડીંગ સાચવવાનું રહેશે.
શિડ્યુલ એચ.એચ-૧ અથવા એક્સ મુજબની દવાઓનું ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વિના વેચાણ અટકાવવા માટે કેશોદ એસડીએમ શ્રી કિશન ગરસરે તેમને મળેલ સત્તાની રૂએ આ માટે જાહેરનામુ બહાર પાડ્યું છે.
રાષ્ટ્રીય બાલ અધિકાર સંરક્ષણ આયોગ, નવી દિલ્હી દ્વારા બાળકોમાં ડ્રગ્સ તથા અન્ય પદાર્થોના ગેરકાયદેસર ઉપયોગ અટકાવવા માટે તા.૦૯-૦૨-૨૦૨૧ રોજ ‘‘Prevention of Drugs and Substance Abuse Among Children and illicit Traffiking’’ નામે જોઈન્ટ એક્શન પ્લાન અમલમાં મુકવામાં આવ્યો છે. આ પ્લાનનાં પારા-૭ થી મેડિકલ સ્ટોર્સ ખાતેથી દવાઓનાં વેચાણ બાબતે સુચનાઓ થયેલ છે. જે સુચનાઓ મુજબ મેડિકલ સ્ટોર્સ ખાતેથી દવાના વેચાણ સંદર્ભે સજાગતા રાખી શકાય તે હેતુસર મેડિકલ સ્ટોર્સ ખાતે સી.સી.ટી.વી. કેમેરા લગાવવા સુચનાઓ થયેલ હતી.
જોઇન્ટ એક્શન પ્લાન તથા આવેલ સૂચનાઓ અનુસાર મેડીકલ સ્ટોર્સ ખાતેથી શિડ્યુલ એચ.એચ-૧ અથવા એક્સ મુજબની દવાઓનું ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વિના વેચાણ ન થાય તે હેતુસર સબ ડિવીઝનલ મેજિસ્ટ્રેટ કેશોદ દ્વારા સી.આર.પી.સી. કલમ-૧૩૩(૧)બી હેઠળ મળેલ સત્તાની રૂએ પ્રસિદ્ધ થયાની તારીખથી દિન-૫ (પાંચ)માં કેશોદ સબ ડિવીઝનના તમામ મેડીકલ સ્ટોર્સ ખાતે, સંપૂર્ણ મેડીકલ સ્ટોર્સનું રેકોર્ડીંગ થઇ શકે તે રીતે ફરજિયાતપણે સી.સી.ટી.વી. કેમેરા લગાવવાના રહેશે. તેનું રેકોર્ડીંગ ૧ વર્ષ સુધી સાચવવાનું રહેશે. તથા સક્ષમ સત્તાધીકારીશ્રી દ્વારા માંગવામાં આવ્યેથી રજૂ કરવાનું રહેશે.
આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર સી.આર.પી.સી. કલમ-૧૩૬માં દર્શાવ્યા મુજબ આઇ.પી.સી. કલમ-૧૮૮ અનુસાર શિક્ષાને પાત્ર ઠરશે.
