Gujarat

મનરેગા યોજના હેઠળ ગાઢ વનીકરણ: મિંયાવાકી પદ્ધતિથી ત્રણ વર્ષમાં જંગલ તૈયાર થઈ જાય છે  

જૂનાગઢ જિલ્લામાં જાપાની પદ્ધતિથી જંગલ ઉછેર કરવામાં આવી રહ્યો છે. જેમાં મનરેગા યોજના હેઠળ માંગરોળના કરમદી ચિંગરીયા, ભેસાણના ખારચિયા અને વંથલીના સેદરડા ગામમાં ફળાવ, છાયાદાર સહિતના વૃક્ષોનું મિંયાવાકી પદ્ધતિથી ઉછેર કરવામાં આવ્યો છે.

     મિયાવાકી એક જંગલ ઉછેર કરવાની પદ્ધતિ છે, જે જાપાની વનસ્પતિ શાસ્ત્રી અકીરા મિયાવાકી દ્વારા પ્રેરિત છે. જે ગાઢ સ્થાનિક જંગલો બનાવવામાં મદદ કરે છે, આ પદ્ધતિથી કરવામાં આવેલ વનીકરણમાં છોડની વૃદ્ધિ ૧૦ ગણી ઝડપી છે. પરિણામે વાવેતર સામાન્ય કરતાં ૩૦ ગણું ઓછું છે. જે વિસ્તારમાં ડઝન જેટલી મૂળ પ્રજાતિઓનું વાવેતર કરે છે અને તે પ્રથમ ત્રણ વર્ષ પછી જાળવણી મુક્ત બને છે. આ પદ્ધતિ પ્રાકૃતિક, જાળવણી મુક્ત સ્થાનિક વનો બનાવવા માટેનું માર્ગદર્શન પૂરું પાડે છે. આ પદ્ધતિથી બનાવેલ વનમાં બે થી ત્રણ વર્ષ સુધી જંગલને નિયમિત પાણી આપવાની જરૂરિયાત રહેશે આ પદ્ધતિમાં ભરપૂર માત્રામાં સેન્દ્રીય ખાતરનો ઉપયોગ કરવામાં આવેલ હોવાથી ત્રણ વર્ષમાં જંગલ તૈયાર થઈ જાય છે.

     આ પદ્ધતિ દ્વારા જૂનાગઢ જિલ્લાનાં તાલુકામાં વનીકરણના કામો હાથ ધરવામાં આવ્યા છે. જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિરાંત પરીખની પ્રેરણાથી મનરેગા યોજના હેઠળ માંગરોળના કરમદી ચિંગરીયા ગામમાં ૩૦*૩૫ ચોરસ મીટરમાં ૨૦૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે, તેવી જ રીતે વંથલીના સેંદરડામાં ૨૦૨૫ ચોરસ મીટરમાં ૫૦૦ અને ભેસાણના ખારચિયામાં ૨૪૫૦ ચોરસ મીટરમાં ૨૦૦ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. આ વૃક્ષોના વાવેતરમાં સીતાફળ, જામફળ, આંબા, નાળિયેરી, આસોપાલવ, સવન, કરેણ, લીમડો, જમરૂખ સપ્તપદી બોરસલી વગેરે જેવા ફળાવ અને છાયાદાર વૃક્ષનો સમાવેશ થાય છે.

   આમ, પદ્ધતિના ઉપયોગથી ગાઢ, બહુસ્તરીય જંગલોનું સહેલાઈથી નિર્માણ થઈ શકશે અને પર્યાવરણને બચાવી શકાશે. સાથે જ આ પ્રકારનું કામ હાથ ધરવાથી પડતર જમીનનો સદુપયોગ પણ થઈ શકશે.

miyawaki-jungle-2.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *