શ્રી સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ અંતર્ગત કાર્યરત જોષીપરા લેઉવા પટેલ સમાજની છાત્રાઓનાં નિવાસી અભ્યાસ મથક એવા હરીભાઇ ગોધાણી કેમ્પસ ખાતે યોજાયેલ વાર્ષિકોત્સવ -૨૦૨૨માં શૈક્ષણિક સિધ્ધિ સંપન્ન તથા વિશિષ્ઠ પ્રતિભા પ્રાપ્ત વિદ્યાર્થીઓનાં સન્માન કરવામાં આવ્યા હતા. બે દિવસીય આ મહોત્સવમાં પ્રથમ દિવસે કૃષિ યુનિ.નાં કુલપતિ. ડો. વિઠ્ઠલભાઇ ચોવટીયાનાં અધ્યક્ષ સ્થાને યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનાં નિયામક શ્રી પી.જી. પટેલ, ડેપ્યુટી મેયર શ્રી કોટેચા, ટ્રસ્ટીગણ સહિત ગણમાન્ય આગેવાનોની ઉપસ્થિતીમાં યોજાયેલ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સન્માનીત કરવામાં આવ્યા હતા. દ્વિતીય દીવસે સૈારાષ્ટ્ર યુનિ.નાં કુલપતિ ડો. ગિરીશ ભિમાણીનાં અધ્યક્ષ સ્થાને યોજાયેલ કાર્યક્રમનું ધારાસભ્યશ્રી સંજયભાઇ કોરડીયાએ દીપ પ્રાગટ્યથી ઉદધાટન કરતા જણાવ્યુ હતુ કે, જૂનાગઢની શૈક્ષણિક સંસ્થાઓ કન્યા કેળવણી ક્ષેત્રે અગ્રેસર કાર્ય કરી રહી છે. વિવિધ સમાજનાં છાત્રાવાસમાં અહી અભ્યાસ કરતી બાળાઓનાં શૈક્ષણિક ઘડતરમાં સમાજ શ્રેષ્ઠીઓનો અગ્રેસર ફાળો રહ્યો છે. જૂનાગઢનાં વિધાયકની જવાબદારી જ્યારે જનતાએ આપી છે. ત્યારે જૂનાગઢ રાજ્યનાં નકશામાં આગવી છાપ સાથે વીકાસનાં નવા આયામો સર કરે દિશામાં કાર્ય કરવાની શ્રી કોરડીયાએ હામ વ્યક્ત કરી હતી.
આ તકે ભેસાણના ધારાસભ્યશ્રી ભુપતભાઇ ભાયાણી,રાજકોટનાં અગ્રણી ઉદ્યોગપતિ મધુભાઇ પટોળીયા, કુલપતિ શ્રી ભીમાણી, મહાનગરપાલિકાનાં સ્ટેન્ડીંગ સમીતીનાં ચેરમેનશ્રી હરેશભાઇ પરસાણા સહિત અગ્રણીઓએ જૂનાગઢ જિલ્લામાં કન્યા કેળવણી ક્ષેત્રે જીવન સમર્પિત કાર્ય કરનાર મુઠી ઉચેરા માનવીઓનાં કાર્યનીષ્ઠાને બીરદાવી હતી.
આ પ્રસંગે શાળાની બાળાઓએ વિશ્વ શાંતી પરિષદની બેઠક યોજી વિવીધ રાષ્ટ્રોનાં પ્રતીનીધી રૂપ પોતાની કલા રજુ કરી હતી. બાળાઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા વિવિધકૃતિઓ રજુ કરી હતી.
કાર્યક્રમની રૂપરેખા અને અતિથીઓને આવકાર સાથે સંસ્થા પ્રવૃતિ ની વિગતો કેમ્પસ ચેરમેન શ્રી જેન્તીભાઇ ઠેસિયાએ રજુ કરી હતી.


