Gujarat

સદગુરૂના માધ્યમથી ૫રમાત્માનું જ્ઞાન પ્રાપ્‍ત કર્યા બાદ જ ભક્તિની શરૂઆત થાય છે..પૂ.વિદ્યાબેનજી નિરંકારી સત્સંગ ભવન,ગોધરા ખાતે ગુરૂપૂર્ણિમા પર્વની ઉજવણી

ગોધરા ખાતે આવેલ સંત નિરંકારી સત્સંગ ભવન ખાતે સંયોજક પ.પૂ.વિદ્યાબહેનજીની અધ્યક્ષતામાં ગુરૂપૂર્ણિમા પર્વ નિમિત્તે સવારે ૮ થી ૯ દરમ્યાન વિશેષ સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું.પોતાના અધ્યક્ષીય પ્રવચનમાં પૂ.વિદ્યાબહેનજીએ કહ્યું હતું કે ગુરૂપૂર્ણિમા એટલે સદગુરૂના પૂજનનું ૫ર્વ.સદગુરૂનો આદર એ કોઇ વ્યક્તિનો આદર નથી ૫રંતુ સદગુરૂના દેહની અંદર જે વિદેહી આત્મા-૫રબ્રહ્મ ૫રમાત્મા છે તેમનો આદર છે,જ્ઞાનનો આદર છે,જ્ઞાનનું પૂજન છે,બ્રહ્મજ્ઞાનનું પૂજન છે.પરબહ્મ પરમાત્માનું જ્ઞાન પ્રદાન કરનાર વિભૂતિને સદગુરૂ કહેવામાં આવે છે.વર્તમાન સમયમાં ગુરૂ માટે સદગુરૂનો શબ્દ પ્રયોગ કરવામાં આવે છે.જ્યારે પુરાતન ગ્રંથોમાં ગુરૂ શબ્દનો જ પ્રયોગ કરવામાં આવેલ છે,તેનું કારણ એ છે કે જેમ અમારા પૂર્વજો દેશી ઘી ને જ ઘી કહેતા હતા પરંતુ જ્યારથી બનાવટી ઘી બજારમાં આવ્યું છે ત્યારથી ઘી શબ્દની આગળ દેશી ઘી કહેવું આવશ્યક બન્યું છે.જેથી બનાવટી ઘી અને દેશી ઘી ની ઓળખાણ થઇ શકે, તેવી જ રીતે જ્યારથી બનાવટી પાખંડી ગુરૂઓ ફુટી નિકળ્યા છે ત્યારથી ગુરૂની આગળ સત્ શબ્દ લગાવવો આવશ્યક થઇ ગયું છે.

સદગુરૂ વિના કોઇ ભવસાગર તરી શકતો નથી.પરમાત્મા માનવરૂપ ધારણ કરીને પ્રગટ થઈને પોતાના શિષ્યને અજ્ઞાનરૂપી અંધકારમાંથી બહાર કાઢીને પોતાના જેવા બનાવી દે છે.સદગુરૂના માધ્યમથી ૫રમાત્માનું જ્ઞાન પ્રાપ્‍ત કર્યા બાદ જ ભક્તિની શરૂઆત થાય છે.ભગવાનને જાણ્યા ૫છી જ આપણામાં દૈવી ગુણોનો પ્રવેશ થાય છે.પ્રાણીમાત્રમાં ૫રમાત્માનો અનુભવ કર્યા પછી જ દ્રેતની ભાવના દૂર થાય છે, પોતાપણાનો ભાવ જાગે છે,પ્રેમ ઉત્પન્ન થાય છે,તમામની સેવા કરવાની પ્રેરણા મળે છે.સર્વ શક્તિમાન પરમાત્માને અંગસંગ જાણ્યા બાદ જ અહમભાવ દૂર થાય છે,દાસભાવનાનો જન્મ થાય છે,નમ્રતા જીવનનું અંગ બને છે.સદગુરૂમાં શ્રધ્ધા અને વિશ્વાસ વિના જ્ઞાન પ્રાપ્‍ત થતું નથી,જ્ઞાન વિના મન સ્થિર થતું નથી અને સદગુરૂના વચનોનું દ્રઢતાથી પાલન કર્યા વિના મનમાં બ્રહ્મજ્ઞાન ટકતું નથી.

૫રમાત્માની જાણકારી ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ બ્રહ્મવેત્તા મહાત્માની કૃપાથી જ સંભવ છે કે સ્વંયમ્ જે ૫રમાત્માને જાણતા હોય,શરીરધારી સદગુરૂની કૃપા વિના બ્રહ્માનુભૂતિ સંભવ નથી.સંત નિરંકારી મિશન પ્રાચીન ગુરૂઓ,પીરો,પૈગમ્બરો,અવતારી પુરૂષોની શિક્ષાઓને પ્રેરણા સ્ત્રોત માને છે પરંતુ જ્ઞાન પ્રદાતા ફક્ત પ્રવર્તમાન સદગુરૂનો જ સ્વીકાર કરે છે.સદગુરૂ વસ્તુતઃ નિર્ગુણ બ્રહ્મની જ સગુણ સત્તા છે,જે એક શરીરના માધ્યમથી કાર્ય કરે છે.આદિકાળથી સદગુરૂ આ ધરતી ઉ૫ર અવતરીત થાય છે અને બ્રહ્મજ્ઞાનના માધ્યમથી  માનવમાત્રનો ઉધ્ધાર કરે છે.

પરમાત્મા સર્વવ્યાપક છે કણકણમાં છે એ જાણે છે બધા પરંતુ અનુભવે છે કોઈક જ..! પરમાત્માની સર્વ વ્યાપકતાનો, સર્વમાં રહેલા છે તેનો અનુભવ થઇ જાય તો ઘર જ વૈકુંઠ બની જાય.તેના ઘરમાં ઝઘડો થાય નહિ કે તેના હાથે કોઈ પાપ થાય નહિ.જેવી રીતે દૂધમાં માખણ દેખાતું નથી પણ દૂધના અણું પરમાણુંમાં માખણ રહેલું છે તેવી જ રીતે આ જગતમાં પરમાત્મા દેખાતા નથી પણ પ્રત્યેક સ્થૂળ કે સૂક્ષ્મ પદાર્થમાં પરમાત્મા રહેલા છે આ સમજાય તો જીવનમાં દિવ્યતા આવે છે.શરીરમાં હોવાથી તેને આત્મા કહે છે અને જે શરીરની બહાર કણકણમાં સર્વવ્યાપકરૂપે છે તેને પરમાત્મા કહે છે.

અનન્ય ભક્તિનો અર્થ એવો નથી કે પોતાના સદગુરૂને માનો અને બીજા ગુરૂ અને સંતોને ના માનો. અનન્ય ભક્તિનો અર્થ છે કે અનેકમાં એક જ નિરાકાર પ્રભુને નિહાળો.પરમાત્મા કણકણમાં વ્યાપક છે તેમને સદગુરૂ કૃપાથી જાણી સર્વમાં એક પરમાત્માનાં દર્શન કરીએ.પોતાના સદગુરૂની સેવા કરીએ,તેમની આજ્ઞાઓનું પાલન કરીએ અને બીજા ગુરૂ અને સંતોનો અનાદર ન કરીએ.પોતાના સદગુરૂમાં પરિપૂર્ણ ભાવ રાખવો અને બીજાઓમાં પોતાના ઇષ્ટ નિરાકાર પ્રભુ પરમાત્માનો જ અંશ માનીને સત્કાર કરવો.સદગુરૂ નિરંકારી બાબા હરદેવસિંહજી મહારાજે કહ્યું છે કે સત્કાર ગુરૂનો કરવો હોય તો દરેકનો સત્કાર કરો.

 

પ્રેસનોંટ આપનારઃ

વિનોદભાઇ માછી નિરંકારી

પ્રેસ અને પબ્લિસિટી વિભાગ,ગોધરા

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

Satguru-Mataji.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *